VIDEO: Auto/ શું છે ટાયર માટે 5 વર્ષનો નિયમ? કાર-બાઈક ચલાવનારા લોકો ખાસ આપે ધ્યાન
ટાયરની બાબતમાં 5 વર્ષનો નિયમ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ તે તમારી અને તમારા પરિવારની સુરક્ષા સાથે જોડાયેલો છે. અવારનવાર લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી ટાયર ઘસાઈ ન જાય કે ફાટી ન જાય, ત્યાં સુધી તેને ચલાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ ટાયર બનાવતી કંપનીઓ આવું નથી માનતી. ટાયર માત્ર કાર કે મોટરસાઇકલ ચલાવવા માટે જ નહીં પણ તમારી સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. જો ટાયર જૂના થઈ ગયા હોય કે ઘસાઈ ગયા હોય, તો તેનાથી ગાડી લપસી શકે છે અને મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. ચાલો જાણીએ કે આ નિયમ શું છે.
શું છે 5 વર્ષનો નિયમ?
સ્લેશગિયરના રિપોર્ટ મુજબ, જ્યારે તમારી ગાડીના ટાયરને વપરાશમાં લેતા 5 વર્ષ થઈ જાય, ત્યારે આ નિયમ કહે છે કે તમારે વર્ષમાં ઓછામાં ઓછી એક વાર કોઈ પ્રોફેશનલ મિકેનિક પાસે તેની તપાસ કરાવવી જોઈએ. ભલે ટાયર ઉપરથી બિલકુલ નવા અને સારા દેખાતા હોય, તેમ છતાં તેની અંદરની સ્થિતિ ખરાબ હોઈ શકે છે.
ઉપરથી ફિટ, અંદરથી અનફિટ
મોટાભાગના લોકો ટાયરની જાડાઈ (ટ્રેડ ડેપ્થ) જોઈને અંદાજો લગાવે છે કે ટાયર બરાબર છે કે નહીં અથવા તેનો હજુ ઉપયોગ કરી શકાય કે નહીં. પરંતુ, જૂના ટાયરની બાબતમાં આ ટેસ્ટ તમને છેતરી શકે છે. 5 વર્ષ પછી ટાયરમાં એવી ઝીણી તિરાડો અને સમસ્યાઓ આવવા લાગે છે જે આંખે સરળતાથી દેખાતી નથી. ઉપરથી ટાયરની ગ્રીપ સારી દેખાઈ શકે છે, પરંતુ અંદરથી રબર નબળું પડી ગયું હોય છે.
સમયની સાથે ટાયર થાય છે ખરાબ
જેમ જેમ સમય પસાર થાય છે, તેમ ટાયર અનેક વસ્તુઓના સંપર્કમાં આવે છે. સૂર્યનો પ્રકાશ રબરને સૂકવી નાખે છે. અતિશય ગરમી અને ભેજ રબરની રાસાયણિક બનાવટને બદલી નાખે છે. આનાથી રબર સખત થઈ જાય છે, જેના કારણે રોડ પર તેની પકડ (ગ્રીપ) નબળી પડી જાય છે અને ટાયર ફાટવાનું જોખમ વધી જાય છે. 5 વર્ષ પછી આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. તમારી કારમાં રાખેલું સ્પેર ટાયર (સ્ટેપની) પણ પડ્યું પડ્યું જૂનું અને નબળું થઈ જાય છે.
જૂના ટાયર બદલાવો
જોકે, ગાડીના ટાયર બદલવાનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. પરંતુ, ખૂબ જ જૂના ટાયર સુરક્ષા માટે જોખમી બની શકે છે. તેથી ટાયર બાબતે બેદરકારી ન રાખો. જો તમારી ગાડીના ટાયરને 5 વર્ષ થઈ ગયા હોય, તો રિસ્ક ન લો. સમયાંતરે તેની તપાસ કરાવો અને ઘસાઈ જાય ત્યારે તેને બદલી નાખો. થોડા પૈસા બચાવવાની લાલચમાં ટાયરને ઘસતા રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે.

