VIDEO: Tech News / શું છે આ 'ATM Jackpotting' સ્કેમ? જાણો કેવી રીતે હેકર્સ ATM મશીનમાંથી પૈસા કાઢી લે છે
ઈ-રિક્ષાને મોબાઈલ એપથી હેક કર્યા બાદ હવે મોબાઈલ એપ દ્વારા જ વીડિયોમાં ATM મશીનને પણ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જે દાવો કરવામાં આવ્યો છે તેણે આપણા સૌની આંખો ખોલી દીધી છે અને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે શું ખરેખર આવું બની શકે? આવું શક્ય તો નથી લાગતું કારણ કે એટીએમ મશીન ખૂબ જ સુરક્ષિત)હોય છે, પરંતુ અમેરિકામાં અત્યાર સુધી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં હેકર્સે એટીએમ હેક કરીને પૈસા કાઢી લીધા છે. જો કે, હાલમાં આ પ્રકારનો કોઈ કિસ્સો ભારતમાં સામે આવ્યો નથી. યુએસમાં બનેલી આ પ્રકારની ઘટનાઓને 'ATM Jackpotting' નામ આપવામાં આવ્યું છે. આવામાં એ સમજવું જરૂરી બની જાય છે કે ATM જેકપોટિંગ શું છે અને હેકર્સ કઈ રીતે પૈસા કાઢે છે?
ATM જેકપોટિંગ કેવી રીતે કામ કરે છે?
એક અહેવાલ મુજબ, યુએસમાં સામે આવેલા કિસ્સાઓ પરથી જાણવા મળ્યું છે કે હેકર્સ ATM મશીનમાં માલવેર નાખી દે છે. આ માલવેર ATMના એ સોફ્ટવેરને ઈન્ફેક્ટ કરે છે જે તેના ફિઝિકલ ઓપરેશનને કંટ્રોલ કરે છે. સામાન્ય રીતે, ATM કેશ (રોકડ) આપતા પહેલા બેંક પાસેથી મંજૂરી માટે સૂચનાઓ મોકલે છે, પરંતુ હેકર્સ બેંકની મંજૂરી લીધા વિના જ પોતાના કમાન્ડ મોકલી દે છે. આનાથી તેઓ કોઈપણ કાર્ડ, એકાઉન્ટ કે બેંક સર્વરની મંજૂરી મળ્યા વગર જ રોકડ કાઢી લે છે.
આ માલવેર ગુનેગારોને ATM મશીનનો સીધો કંટ્રોલ આપી દે છે. ખાસ વાત એ છે કે આ હુમલો સીધો ATM પર થાય છે, નહીં કે ગ્રાહકના બેંક એકાઉન્ટ પર. એક અહેવાલ અનુસાર આનો એક રસ્તો એ છે કે તેઓ ATMની હાર્ડ ડ્રાઈવ કાઢીને તેને કમ્પ્યુટર સાથે જોડે છે, માલવેર કોપી કરે છે અને પછી તેને પાછી લગાવી દે છે. બીજો રસ્તો એ છે કે તેઓ અસલી હાર્ડ ડ્રાઈવને નવી ઈન્ફેક્ટેડ હાર્ડ ડ્રાઈવ સાથે બદલી નાખે છે અને ATMને રીસ્ટાર્ટ કરી દે છે.
સરળ ભાષામાં સમજીએ તો, ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના જણાવ્યા અનુસાર, ATM જેકપોટિંગ એ એક સાયબર ક્રાઈમ છે, જેમાં હેકર્સ માલવેરનો ઉપયોગ કરીને ATM મશીનો પર કંટ્રોલ મેળવે છે અને કોઈપણ બેંક કાર્ડ વગર રોકડા પૈસા નીકાળી લે છે.

