VIDEO: Tech News / શું છે BharatFS AI સિસ્ટમ? 24 કલાક પહેલાં જ મળી જશે ભારે વરસાદનું એલર્ટ, જાણો કેવી રીતે કરે છે કામ
મહારાષ્ટ્રે તાજેતરમાં જ AI બેઝ્ડ BharatFS સિસ્ટમ લાગુ કરી છે. આ સ્વદેશી સિસ્ટમ 24 કલાક પહેલાં જ વરસાદ અને ખરાબ હવામાનની માહિતી આપે છે. દેશના અન્ય રાજ્યોમાં પણ આગામી દિવસોમાં આ સિસ્ટમ અપનાવવામાં આવી શકે છે. આ આધુનિક સિસ્ટમની મદદથી વરસાદનું એકદમ સચોટ અનુમાન લગાવી શકાય છે. અહેવાલ અનુસાર, આ સિસ્ટમના કારણે જ મહારાષ્ટ્રના નાસિકમાં વાદળ ફાટવાથી થનારી મોટી તબાહીને ટાળી શકાઈ છે.
BharatFS AI એટલે કે ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ને દેશના બે સૌથી હાઈ-પરફોર્મન્સ સુપર કમ્પ્યુટર્સ 'Arka-IITM' પુણે અને 'અરુણિકા' (NCMRWF નોઈડા)ની મદદથી ચલાવવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતની આ ઘરેલું ફોરકાસ્ટ સિસ્ટમ અત્યંત સચોટ અનુમાન લગાવી શકે છે. તેની ખાસ વાત એ છે કે તે રિયલ ટાઈમમાં હવામાનની આગાહીને સમયાંતરે અપડેટ કરતી રહે છે. AI ફીચર હોવાના કારણે આ સિસ્ટમ દ્વારા ટૂંકી રેન્જમાં પણ ઉત્તમ ચોકસાઈ સાથે હવામાનનું અનુમાન લગાવી શકાય છે.
BharatFS AI સિસ્ટમને IITM પુણે દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં હવામાનની સચોટ માહિતી મેળવવા માટે AI બેઝ્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અને સુપર કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમ માત્ર 6 કિલોમીટરના વિસ્તારમાં હવામાનમાં થતા ફેરફારોને પણ બારીકાઈથી સમજી શકે છે. એટલું જ નહીં, ખૂબ જ નાના વિસ્તારમાં બનતી કુદરતી ઘટનાઓ પર પણ તે નજર રાખી શકે છે. આની મદદથી ખરાબ હવામાનને કારણે થતી હોનારતો જેવી કે વાદળ ફાટવું, અચાનક પૂર આવવું અને ભૂસ્ખલન વગેરેની અગાઉથી આગાહી કરી શકાય છે.
BharatFS AI સિસ્ટમને મહારાષ્ટ્રે મે મહિનામાં અપનાવી હતી અને તેને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે. જુલાઈમાં થયેલા ભારે વરસાદ દરમિયાન આ સિસ્ટમે પોતાની ઉપયોગિતા સાબિત કરી બતાવી, જેના કારણે નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ 24 કલાક પહેલાં જ મળી ગયું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે આ એલર્ટના આધારે લોકોને અગાઉથી જ ચેતવી દીધા હતા, જેથી તંત્રને બચાવ કામગીરી અને પૂર્વ તૈયારીઓ કરવાનો પૂરતો સમય મળી ગયો. કેરળના વાયનાડમાં થયેલા ભયાનક લેન્ડસ્લાઈડને પણ આ સિસ્ટમની મદદથી અટકાવી શકાયું હોત. જો કે, હવે અન્ય રાજ્યોમાં પણ આ સિસ્ટમ ટૂંક સમયમાં જ લગાવવામાં આવી શકે છે.

