VIDEO: Tech / મેટાનો મોટો યુ-ટર્ન: કર્મચારીઓની જગ્યાએ AI લાવવાની યોજના ફ્લોપ, છટણીનો બીજો રાઉન્ડ રદ
મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે પોતાની કંપનીને પ્યોર 'AI-નેટિવ' બનાવવાની યોજના બનાવી હતી. આંતરિક રીતે 'પ્રોજેક્ટ OT' (Organisational Transformation) તરીકે ઓળખાતી આ યોજના હેઠળ વિવિધ ટીમોના કદમાં 60% સુધીનો ઘટાડો કરવાનું આયોજન હતું. કંપનીનો વિચાર એવો હતો કે કર્મચારીઓના વિશાળ જૂથોના બદલે ઉચ્ચ કુશળ કર્મચારીઓની નાની ટીમો બનાવીને દૈનિક કામકાજ સ્માર્ટ AI એજન્ટ્સ પાસે કરાવવું. પરંતુ વાસ્તવિકતામાં આ પ્રયોગ સફળ થયો નથી અને કંપનીને પોતાના આક્રમક પગલાં પાછા ખેંચવાની ફરજ પડી હતી.
AI એજન્ટ્સનું નબળું પ્રદર્શન અને કર્મચારીઓનો વિરોધ
અહેવાલ મુજબ, મેટાએ આ યોજના હેઠળ મે મહિનામાં છટણીનો એક રાઉન્ડ પૂર્ણ કર્યો હતો, પરંતુ નવેમ્બર મહિનામાં યોજાનારી બીજા રાઉન્ડની છટણી રદ કરવી પડી હતી. કંપનીના આંતરિક આંકડાઓમાં સામે આવ્યું છે કે જે AI એજન્ટ્સ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તે અપેક્ષિત પ્રોડક્ટિવિટી આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સાથે જ કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને ટીમનું મનોબળ તૂટી ગયું હતું. કર્મચારીઓને એક તરફ AI અપનાવવાનું કહેવામાં આવતું હતું અને બીજી તરફ તે જ AI તેમની નોકરી છીનવી રહ્યું હોવાનો ડર હતો.
અબજો ડૉલરના રોકાણ છતાં AIની વાસ્તવિક સીમાઓ સામે આવી
મેટાએ એઆઇ મોડેલ્સ, ડેટા સેન્ટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડૉલરનો જંગી ખર્ચ કર્યો છે. તેમ છતાં, ઓટોનોમસ AI એજન્ટ્સ ઑફિસનું કામ સંપૂર્ણપણે સંભાળવામાં અસમર્થ સાબિત થયા છે. આ ઘટનાએ એ વાત સાબિત કરી દીધી છે કે 'AI રાતોરાત કોર્પોરેટ વર્લ્ડમાં માનવ ક્ષમતાનું સ્થાન લઈ લેશે' તે દાવો એટલો સરળ નથી.
ઝુકરબર્ગે સ્ટ્રેટેજી બદલી: હવે AIને હથિયાર નહીં, મદદગાર ગણાવ્યું
સ્થિતિ વણસતાં માર્ક ઝુકરબર્ગે હવે પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે AI એજન્ટ્સનો વિકાસ ધાર્યા મુજબ ઝડપી રહ્યો નથી. હવે ઝુકરબર્ગ કર્મચારીઓને બદલવાના બદલે નાની ટીમોને સક્ષમ બનાવવા માટે AIનો એક ટૂલ તરીકે ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે. જોકે, રોકાણકારોના સવાલો છતાં મેટાએ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

