બાળકો માટે સોશિયલ મીડિયાના નિયમો કડક! ઇન્સ્ટા-ફેસબુક પર આટલા કલાકની જ રહેશે લિમિટ, ઓટોમેટિક બંધ થશે એપ

મેટા (Meta) એ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપયોગ કરતા સગીર વયના (Minor) યુઝર્સ માટે કેટલાંક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવા નિયમોમાં સ્ક્રીન ટાઇમ ઓછો કરવા, રાત્રિના સમયે એપનો ઉપયોગ રોકવા અને માતા-પિતાને વધુ સારી દેખરેખ (Parental Control) ની સુવિધા આપવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત બાળકો માટે રોજના વપરાશ પર 2 કલાકની લિમિટ સહિત ફીડ અને રીલ્સ સાથે જોડાયેલા અનેક નવા સુરક્ષા ફીચર્સ મળશે. રાતના સમયે એપનો ઉપયોગ પણ આપોઆપ બ્લોક થઈ જશે.
રાત્રે ઇન્સ્ટાગ્રામ-ફેસબુક બંધ થઈ જશે
મેટા સગીર યુઝર્સ માટે ઓટોમેટિક નાઇટ મોડ લાવી રહ્યું છે. આ અંતર્ગત રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફીડ, સ્ટોરીઝ, રીલ્સ અને એક્સપ્લોર પેજનો ઉપયોગ આપોઆપ બંધ રહેશે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ મોડમાં સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નોટિફિકેશન ડિફોલ્ટ રીતે મ્યુટ કરી શકાશે. જોકે એકાઉન્ટની સુરક્ષા સાથે જોડાયેલા જરૂરી નોટિફિકેશન અને ડાયરેક્ટ મેસેજ (DM) આવતા રહેશે.
સ્ક્રીન ટાઇમ પર પણ રખાશે નજર
નવા ફીચર્સમાં યુઝર્સને સ્ક્રીન ટાઇમ ઘટાડવા માટે સતત રિમાઇન્ડર મળતા રહેશે. 15 મિનિટ સુધી સતત બ્રાઉઝિંગ કરવા પર પહેલો એલર્ટ આવશે. ત્યારબાદ દૈનિક કુલ સ્ક્રીન ટાઇમ 60 અને 90 મિનિટ સુધી પહોંચવા પર પણ ઉપયોગ ઓછો કરવા માટે વધારાના એલર્ટ દેખાશે. મેટાએ વીડિયો ઓટોપ્લે બંધ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે, જેનાથી આગામી વીડિયો આપોઆપ ચાલુ થવાને બદલે યુઝરે પોતે સ્વાઇપ કે ટેપ કરવું પડશે.
બાળકોની સુરક્ષા માટે AIનો ઉપયોગ
સગીર યુઝર્સના એકાઉન્ટ્સ પર લાઈક અને રિએક્શનની સંખ્યા ડિફોલ્ટ રીતે છુપાયેલી રહેશે. મેટાએ એ પણ જણાવ્યું કે તે એવા AI મોડલ્સનો ઉપયોગ કરી રહ્યું છે, જે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સની ઓળખ કરીને તેને હટાવવામાં મદદ કરશે. જ્યારે 13 થી 17 વર્ષની ઉંમરના યુઝર્સને એક ખાસ સુરક્ષિત અનુભવ આપવામાં આવશે. આ ફેરફારો મેટા અને 52 રાજ્યો, વિસ્તારો અને વોશિંગ્ટન ડીસીના એટોર્ની જનરલ વચ્ચે થયેલા આશરે 18 અબજ ડોલરના કરાર (Agreement) બાદ કરવામાં આવી રહ્યા છે.

