કરોડોના બજેટ છતાં કુપોષણ ન અટક્યું, ગુજરાતમાં 12 હજારથી વધુ બાળકોનાં મોત

Gujarat Child Health Crisis: ગુજરાત મોડલ અને વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે ગુજરાતના બાળ સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબૂદી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ પાણીની જેમ વહાવવામાં આવી રહ્યુ છે, છતાંય માસૂમ બાળકોને મોતના મુખમાંથી બચાવી શકાયા નથી. ખુદ કેન્દ્ર સરકારના આંકડા સાક્ષી પૂરે છે કે, રાજ્યમાં નવજાત શિશુઓના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ આંકડા તબીબી સુવિધાઓ અને સરકારી દાવાઓની પોલ ખોલી
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2021 માં ગુજરાતમાં 11,815 નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યા હતા. આ કાળમુખો આંકડો ઘટવાને બદલે વર્ષ 2024માં વધીને 12,492 પર પહોંચી ગયો છે. એટલે કે એક વર્ષથી ઓછી વયના નવજાત શિશુઓના મોતમાં સીધો 677નો વધારો નોંધાયો છે. આ આંકડા તબીબી સુવિધાઓ અને સરકારી દાવાઓની પોલ ખોલી રહ્યા છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓના અભાવે બાળકો વધુ મૃત્યુ પામે છે. પરંતુ ચાલુ વર્ષના આંકડા આંખ ઉઘાડનારા છે. વર્ષ 2024માં 1થી 4 વર્ષના 851 શિશુઓ ગ્રામ્ય વિસ્તારમાં મોતને ભેટ્યા, તેની સામે શહેરી વિસ્તારોમાં આ આંકડો ત્રણ ગણો એટલે કે 2,379 નોંધાયો છે. શહેરોમાં વસ્તીનું ભારણ, સ્લમ વિસ્તારોમાં કથળેલું આરોગ્ય અને કુપોષણ આ માટે મુખ્ય જવાબદાર મનાય છે. વળી, જાતિ આધારિત મોતમાં પણ મોટો તફાવત છે, જેમાં છોકરીઓ કરતાં છોકરાઓનું મૃત્યુ પ્રમાણ ઘણું ઊંચું છે.
ગુજરાતનું ભવિષ્ય પારણામાં જ દમ તોડી રહ્યું છે
રાજ્ય સરકાર દર વર્ષે આંગણવાડી, પોષ્ટિક આહાર અને બાળ કલ્યાણ યોજનાઓ પાછળ અબજો રૂપિયાના અંદાજપત્રો મંજૂર કરે છે. જો આ નાણાં ખરેખર યોગ્ય જગ્યાએ વપરાતા હોય, તો કુપોષણની કૂખમાંથી જન્મતા માસૂમોના મોક કેમ રોકાતા નથી તે ઉકેલ માંગતો કોયડો છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને યોજનાઓના નબળા અમલીકરણને કારણે આજે ગુજરાતનું ભવિષ્ય પારણામાં જ દમ તોડી રહ્યું છે. હવે કાગળ પરની સમીક્ષાઓ છોડી નકર પગલાં લેવાશે તો પરિણામ મળી શકે તેમ છે.
નવજાત શિશુના મોતના જવાબદાર પરિબળ
•અધૂરા મહિને જન્મ: ગર્ભવતી મહિલાઓમાં પોષણના અભાવે નવજાત શિશુઓ નબળા જન્મે છે.
•જન્મજાત ખામી-ગંભીર ચેપ: યોગ્ય સમયે સારવાર ન મળતા સેપ્સિસ-ન્યુમોનિયા માસૂમોનો જીવ લે છે.
•નિષ્ણાતોની અછત: ગ્રામીણ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ,બાળરોગ નિષ્ણાતોની જગ્યા ખાલી પડી છે
•અંતરનું અંતરાય : સારવારના સમયે ગામડાંથી શહેર સુધી પહોંચવામાં વિલંબ જીવલેણ સાબિત થાય છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવજાતશિશુનો મોત નોંધાયાં
વર્ષ 2024માં અમદાવાદ શહેર સૌથી નવજાતશિશુઓના મૃત્યુ નોંધાયા છે.જ્યારે રાજકોટમાં 1244, સુરતમાં 1552 જ્યારે વડોદરામાં 1252 માસૂમોના મોત નિપજ્યા હતાં. ગુજરાતમાં કુલ મળીને સરેરાશ 34 માસૂમના મોત થાય છે.
વર્ષ 2024 અને વર્ષ 2021માં નવજાત શિશુઓના મોત
•વર્ષ 2024: ગ્રામ્ય વિસ્તારમાં 718 બાળકોઓના મોત, 504 બાળકીઓના મોત એમ કુલ 1222ના મોત થયા, જ્યારે શહેરી વિસ્તારમાં 6632 બાળકોના મોત, 4632 બાળકીઓના મોત એમ કુલ 11264ના મોત થયા હતા.
•ગ્રામ્ય-શહેરોમાં કુલ મોત: 7352 બાળકોના મોત, 5136 બાળકોના મોત અને કુલ 12492ના શિશુના મોત થયા.
•વર્ષ 2021: ગ્રામ્ય વિસ્તારમાં 1181 બાળકોના મોત, 829 બાળકીઓના મોત એમ કુલ 2010ના મોત થયા. જ્યારે શહેરી વિસ્તારમાં 5773 બાળકોના મોત, 4083 બાળકીઓના મોત એમ કુલ 9856ના મોત થયા.
•ગ્રામ્ય-શહેરોમાં કુલ મોત: 6954 બાળકોના મોત, 4912 બાળકીઓના મોત એમ કુલ 11815ના શિશુના મોત થયા.

