VIDEO: ઓનલાઇન સટ્ટાબાજી કૌભાંડમાં મોટો ધડાકો, કરોડોના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ નિધિ અગ્રવાલ પર EDનો સકંજો!
ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ એપ્સના પ્રમોશન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલ પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની હૈદરાબાદ સ્થિત ઝોનલ ઓફિસ સમક્ષ હાજર થઈ છે.
સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ્સ અને નાણાકીય વ્યવહારો પર તપાસ
ઇડી દ્વારા ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ અને ગેમિંગ એપ્લિકેશન્સના પ્રમોશનમાં સંડોવાયેલા કલાકારો તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ભૂમિકાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. નિધિ અગ્રવાલ પર ચોક્કસ ગેમિંગ પ્લેટફોર્મ્સના પ્રમોશન સંબંધિત આરોપો હોવાથી, એજન્સી દ્વારા પ્રમોશન માટે મળેલા નાણાકીય વળતર, કરારની શરતો અને તેનાથી સંબંધિત મની ટ્રેઇલ અંગે તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી
આ સમગ્ર મામલો તેલંગાણાના મિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર (FIR) તથા સીઆઇડી (CID) દ્વારા હાથ ધરાયેલી તપાસ સાથે જોડાયેલો છે. સ્થાનિક વેપારીની ફરિયાદ બાદ નોંધાયેલી આ એફઆઇઆરમાં 25થી વધુ સેલિબ્રિટીઓ અને ઇન્ફ્લુએન્સર્સના નામ સામે આવ્યા હતા, જેમાં વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ અને નિધિ અગ્રવાલ સહિતના જાણીતા ચહેરાઓનો સમાવેશ થતો હતો.
પોલીસ કેસના આધારે ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ઈસીઆઈઆર (ECIR) દાખલ કરીને દેશવ્યાપી નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં નિધિ અગ્રવાલની અગાઉ તેલંગાણા સીઆઇડી દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.

