VIDEO: Aurus Senat/ બોમ્બ-કેમિકલ હુમલાથી સુરક્ષિત! પુતિનની કાર એટલે ચાલતો કિલ્લો! સુરક્ષા જાણીને દંગ રહી જશો
રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. પુતિન પોતાની ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે કસ્ટમાઇઝ્ડ ઓરસ સેનાટ લિમોઝિનમાં આવ્યા છે. વિદેશ પ્રવાસ દરમિયાન તેઓ અન્ય દેશોની સરકારી કારને બદલે પોતાની કારનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. અગાઉ ચીનમાં યોજાયેલી એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પુતિન સાથે આ જ વાહનમાં બેઠા હતા.
ઓરસ સેનાટ લિમોઝિન કેટલી ખાસ છે?
ઓરસ સેનાટને વિશ્વની અત્યંત સુરક્ષિત લક્ઝરી કારોમાં ગણવામાં આવે છે. આ કાર રશિયન રાષ્ટ્રપ્રમુખની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનું નિર્માણ ઓરસ મોટર્સ, રશિયન સ્ટેટ રિસર્ચ બોડી નામી, સોલર્સ જેએસસી અને યુએઈની તવાઝુન હોલ્ડિંગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
‘કોર્ટેઝ’ કાર્યક્રમ હેઠળ 2018માં લોન્ચ થયેલી આ કાર સોવિયેત યુગની ઝિસ-110 લિમોઝિનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. તેનું સિવિલિયન મોડલ પણ મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવે છે અને તેની કિંમત આશરે રૂ.2.5 કરોડ હોવાનું જણાવવામાં આવે છે.
પાવરફુલ એન્જિન સાથે જબરદસ્ત ઝડપ
ઓરસ સેનાટમાં 4.4-લિટર ટ્વિન-ટર્બો વી8 એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આ એન્જિન આશરે 598 હોર્સપાવર અને 880 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
આટલી ભારે લિમોઝિન હોવા છતાં કાર માત્ર 9 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ આશરે 160 કિલોમીટર પ્રતિ કલાક છે. કારની લંબાઈ 5,630 એમએમ, પહોળાઈ 2,000 એમએમ અને વ્હીલબેઝ 3,300 એમએમ છે.
સુરક્ષા સાથે લક્ઝરીનો જબરદસ્ત કોમ્બિનેશન
પુતિનની સત્તાવાર કારમાં બુલેટપ્રૂફિંગ અને બોમ્બ પ્રતિકારક ક્ષમતાઓ સહિત અનેક સુરક્ષા સુવિધાઓ હોવાનું જણાવવામાં આવે છે. તેમાં એક્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ઇલેક્ટ્રોનિક ટ્રેક્શન કંટ્રોલ અને અદ્યતન બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ છે.
કારના કેબિનમાં પ્રીમિયમ લેધર, વુડ ટ્રિમ અને આધુનિક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ વાહન અત્યંત કઠિન અને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ કામ કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે.

