VIDEO: મુરાદાબાદમાં દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ
મુરાદાબાદના ઠાકુરદ્વારામાં દીપડાનો આતંક
૪૦ વર્ષીય આધેડને ફાડી ખાતાં કરૂણ મોત!
સીમ વિસ્તારમાં હિંસક વન્યજીવનો જીવલેણ હુમલો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની અત્યંત ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠાકુરદ્વારા વિસ્તારમાં એક હિંસક દીપડાએ સીમ વિસ્તારમાં રહેલા ૪૦ વર્ષીય આધેડ પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ભયાનક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ અને 112 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળેથી સામે આવેલા દ્રશ્યોમાં ગ્રામજનોનું મોટું ટોળું અને આક્રોશિત પરિજનો જોઈ શકાય છે. બનાવ અંગે માહિતી આપતાં કમાન્ડર અર્જુન સિંહે જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમ દ્વારા બનાવની સૂચના મળતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં પડેલી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ
આદમખોર દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ
આ ભયાનક ઘટના બાદ સમગ્ર ઠાકુરદ્વારા અને આસપાસના સીમ વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરોમાં કામ કરવા જતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં દીપડાના ત્રાસથી ભયનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં હિંસક વન્યજીવોની અવરજવર વધી ગઈ હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા, જેના કારણે આજે એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને એકલા સીમ વિસ્તારમાં ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ પીડિત પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવાની અને હિંસક બનેલા દીપડાને વહેલી તકે પકડીને વિસ્તારને ભયમુક્ત કરવાની માંગ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

