Tech news: OpenAIએ લોન્ચ કર્યું GPT-5: Chat GPTનું નવું વર્ઝન છે ખૂબ જ સ્માર્ટ

આ આધુનિક યુગમાં વધતા જતા AIના ઉપયોગમાં વધુ એક ઉમેરો થયો છે. OpenAI દ્વારા GPT-5 લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં PhD લેવલના ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. Chat GPTના દરેક યુઝર્સ અને ડેવલપર્સ આ નવા મોડલનો ઉપયોગ કરી શકશે. OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનના કહેવા મુજબ અગાઉના વર્ઝન કરતાં નવા વર્ઝનના પર્ફોર્મન્સમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. આઇફોન જ્યારે પહેલી વાર રેટિના ડિસ્પ્લે સાથે આવ્યો હતો ત્યાર બાદ અન્ય ડિસ્પ્લે કોઈને પસંદ નહોતી આવી રહી. Chat GPTના નવા વર્ઝનને સેમ ઓલ્ટમેન દ્વારા એની સાથે જ સરખાવી છે.
PhD લેવલનું ઇન્ટેલિજન્સ ધરાવે છે
Chat GPTનું નવું વર્ઝન ખૂબ જ સ્માર્ટ, ઝડપી અને ઓછી ભૂલ કરનારું છે. આ વિશે સેમ ઓલ્ટમેન કહે છે, તમે જ્યારે GPT-3 સાથે વાત કરતાં હોય ત્યારે લાગ્યું હશે કે હાઇ સ્કૂલના બાળક સાથે વાત કરી રહ્યાં છે. GPT-4 સાથે વાત કરતાં લાગ્યું હશે કે કોલેજ સ્ટુડન્ટ સાથે વાત કરી રહ્યાં છે. જોકે, GPT-5 સાથે વાત કરતાં તમને લાગશે કે PhD લેવલના એક્સપર્ટ સાથે કામ કરી રહ્યાં છીએ.
Open AIની ટોચ પર આવવાની આશા
Chat GPTના અઠવાડિયાના 700 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. આમ છતાં, OpenAI AIની દુનિયામાં ટોચનું મોડલ નથી બની શક્યું. આથી, હવે નવા વર્ઝનને કારણે OpenAIને આશા છે કે તે ટોચના સ્થાને આવી શકે છે. સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે કોડિંગ, રાઇટિંગ અને હેલ્થકેરમાં Chat GPTનું નવું વર્ઝન દુનિયાનું શ્રેષ્ઠ વર્ઝન છે. સામાન્ય ટાસ્ક કરવાની સાથે આ Chat GPT અન્ય પણ ઘણાં ટાસ્કમાં ખૂબ જ માહેર બની ગયું છે.
દરેક યુઝર્સ માટે એક જ મોડલ
Chat GPTના અગાઉના વર્ઝનમાં અલગ-અલગ મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ નવું વર્ઝન સ્ટાન્ડર્ડ વર્ઝન અથવા તો રિઝનિંગ મોડલ જેવું કંઈ નથી. દરેક યુઝર માટે એક જ વર્ઝન આપવામાં આવ્યું છે. જોકે યુઝર્સ તેના સવાલ અનુસાર હવે જવાબ મેળવશે. ઉદાહરણ તરીકે, જટીલ સવાલ કરવામાં આવ્યો હોય અથવા તો વધુ વિચારવાનું કહેવામાં આવ્યું હોય તો આ મોડલ ઓટોમેટિક રિઝનિંગ મોડલની જેમ કામ કરશે. મોટાભાગના યુઝર્સ એક જ મોડલનો ઉપયોગ કરે છે તેઓ મોડલને બદલતા નથી. આથી Chat GPT દ્વારા યુઝર્સની સુવિધા માટે હવે એક જ મોડલ બનાવવામાં આવ્યું છે અને સવાલ અનુસાર મોડલ પોતાની રીતે કામ કરી લેશે.
Free યુઝર્સ માટે નક્કી કરાઈ છે લિમિટ
OpenAI દ્વારા Chat GPTનું નવું વર્ઝન દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જોકે ફ્રી યુઝર્સ માટે લિમિટ નક્કી કરવામાં આવી છે, પરંતુ એને જાહેર કરવામાં આવી નથી. એક વાર આ લિમિટ પૂરી થઈ જતાં ફ્રી યુઝર્સ મિનિ મોડલનો ઉપયોગ કરી શકશે. જોકે એ ઓટોમેટિક બદલાવ થશે. યુઝરે કંઈ કરવાની જરૂર નથી. GPT-5ના APIનો ઉપયોગ કરનાર ડેવલપર્સ માટે આ વર્ઝન 3 રીતે રજૂ કરવામાં આવ્યું છે: GPT-5, GPT-5 મિનિ અને GPT-5 નેનો, એમ દરેક માટે અલગ-અલગ કિંમત રાખવામાં આવી છે.
Chat GPTમાં આવશે પર્સનાલિટી થીમ
OpenAI દ્વારા GPT-5માં પર્સનાલિટી થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર તેમની ઇચ્છા અનુસારના રિસ્પોન્સ હવે મેળવી શકશે. ભાવશૂન્ય, રોબોટ જેવા, સાંભળનાર વ્યક્તિ અને માહિતીસભર વ્યક્તિ જેવી અલગ-અલગ પર્સનાલિટી તરીકે Chat GPT જવાબ આપે એ માટેના વિકલ્પ આપવામાં આવ્યા છે. આ સાથે જ યુઝર્સ પોતાની ઇચ્છા અનુસાર Chat GPTનો કલર પણ બદલી શકશે. Chat GPTના નવા વર્ઝનમાં કોડિંગની ગુણવત્તામાં ગજબનો સુધારો કરવામાં આવ્યો છે. હવે યુઝર્સને સોફ્ટવેર ઓન ડિમાન્ડ એટલે કે એક વાર કહેતાની સાથે મળી જશે. કોડિંગની ટેસ્ટમાં આ મોડલે દરેક બેન્ચમાર્કને ક્રોસ કરી નાખી હતી.
GPT-5 વધુ ખોટા જવાબ નહી આપે
GPT-5 પર પાંચ હજાર કલાકથી વધુ સમય માટેનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. આ એક સેફ્ટી ટેસ્ટ હતો. આ મોડલની સેફ્ટી રિસર્ચ લીડ એલેક્સ બ્યુટેલ કહે છે, અમારું સંપૂર્ણ ધ્યાન આ મોડલ યુઝર્સને ખોટું ન બોલે એના પર આપવામાં આવ્યું છે. OpenAIના o3 રિઝનિંગ મોડલ કરતાં GPT-5 ખૂબ જ ઓછા ખોટા જવાબ આપશે. જોકે આમ છતાં, લાર્જ લેન્ગવેજ મોડલમાં સંપૂર્ણ વિશ્વાસ નહીં રાખી શકાય.
એલેક્સ બ્યુટેલ અનુસાર મોડલ જ્યારે એક એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કરે ત્યારે જ એમાં વિશ્વાસપાત્રતાની ઉણપ જોવા મળે છે. જોકે હવે તેમણે GPT-5ને મલ્ટી સ્ટેપ ટાસ્ક ખૂબ જ સારી રીતે કરી શકે એ રીતે બનાવ્યું છે. અગાઉના મોડલમાં Chat GPT જે પણ સવાલોના જવાબ ન આપી શકતું હતું એ હવે આ વર્ઝન આપી શકશે. GPT-5 હવે સેફ્ટીને ધ્યાનમાં રાખીને તમામ સવાલોના જવાબ ખૂબ જ સાવચેતીપૂર્વક આપશે.

