હવે કોલ ઉપાડતાં પહેલાં જાણી શકાશે કોલરની પ્રોફેશનલ માહિતી! Truecaller માં આવ્યું અદ્ભુત ફીચર, આ રીતે કરો યુઝ

જો તમારા ફોન પર કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે, તો સૌથી મોટો સવાલ એ જ હોય છે કે આખરે સામે વાળી વ્યક્તિ કોણ છે અને કયા કામથી ફોન કરી રહી છે. ખાસ કરીને ઓફિસ, નોકરી, બિઝનેસ કે ક્લાયન્ટ સાથે જોડાયેલા કોલમાં માત્ર નામ જોઈને એ સમજવું મુશ્કેલ હોય છે કે કોલ કરનાર કઈ કંપની કે હોદ્દા સાથે જોડાયેલ છે. આ જ સમસ્યાને દૂર કરવા માટે Truecaller એ LinkedIn સાથે પાર્ટનરશિપ કરી છે. આ પછી Truecaller Caller ID માં યુઝરની LinkedIn સાથે જોડાયેલી પ્રોફેશનલ માહિતી જોઈ શકાશે. નવા ફીચરની મદદથી યુઝર પોતાની Truecaller પ્રોફાઇલ પર જોબ ટાઇટલ અને કંપનીનું નામ જેવી વિગતો દર્શાવી શકે છે.
જો LinkedIn પર માહિતી Verified હશે, તો તેનું Verification Signal પણ Truecaller પર જોવા મળશે. કોલ રિસીવ કરનાર વ્યક્તિને નામ અને ફોટા સાથે પ્રોફેશનલ માહિતી પણ મળી શકે છે. આ સિવાય Truecaller પ્રોફાઇલ પરથી સંબંધિત વ્યક્તિની LinkedIn પ્રોફાઇલ પર પણ જઈ શકાશે. હાલમાં આ સુવિધા Android યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને iPhone પર પછીથી આવશે તેમ કહેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ફીચરનો ઉપયોગ કરવો ફરજિયાત નથી. યુઝર પોતાની મરજીથી LinkedIn પ્રોફાઇલ કનેક્ટ કરી શકે છે અને પ્રોફેશનલ માહિતી દર્શાવી શકે છે.
આ લોકોને થશે આ સર્વિસનો ફાયદો
આનો સૌથી મોટો ફાયદો એ લોકોને થઈ શકે છે જેને રોજબરોજ Recruiter, Client, Supplier, Sales Professional કે અન્ય બિઝનેસ કોન્ટેક્ટ્સ તરફથી કોલ આવે છે. કોઈ નવા નંબરથી ફોન આવવા પર હવે Caller ID પર માત્ર નામ અને ફોટાને બદલે જોબ ટાઇટલ અને કંપનીની માહિતી પણ દર્શાવી શકાશે.
નવો Truecaller યુઝર LinkedIn થી ઝડપથી બનાવી શકશે પ્રોફાઇલ
Truecaller એ નવા યુઝર્સ માટે પણ LinkedIn સાથે કનેક્શનનો ઓપ્શન આપ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવા યુઝર્સ 'Login with LinkedIn' ની મદદથી Truecaller શરૂ કરી શકે છે. એવામાં નામ અને પ્રોફાઇલ ફોટો જેવી વિગતો LinkedIn માંથી પહેલાથી જ ભરાઈ જશે.

