VIDEO: આધાર કાર્ડ યુઝર્સ માટે ખુશખબર: હવે સાથે લઈને ફરવાની જરૂર નહીં રહે! UIDAIએ આપી મોટી રાહત
આધાર કાર્ડ યુઝર્સ માટે એક મહત્ત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) સમયાંતરે નાગરિકોની સુવિધા વધારવા માટે નવા ફીચર્સ અને અપડેટ્સ બહાર પાડતું રહે છે. આ જ શ્રેણીમાં હવે એક અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત યુઝર mAadhaar એપમાં એક જ મોબાઈલ ફોન પર મહત્તમ 5 આધાર પ્રોફાઈલ ઉમેરીને તેને સરળતાથી મેનેજ કરી શકશે. આ નવી સુવિધાથી પરિવારના અલગ-અલગ સભ્યોના આધાર કાર્ડની માહિતી સંભાળવી પહેલા કરતાં ઘણી સરળ બનશે અને ફિઝિકલ આધાર કાર્ડ સાથે લઈને ફરવાની જરૂર રહેશે નહીં.
આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ પોતાના પરિવારના બાળકો, વડીલો કે અન્ય સભ્યોના આધાર સાથે સંકળાયેલા કામકાજ સંભાળે છે. એક જ એપમાં અનેક પ્રોફાઈલ હોવાને કારણે આધાર સંબંધિત સેવાઓનો ઉપયોગ વધુ સુવિધાજનક અને ઝડપી બનશે.
UIDAI દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત
UIDAI એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ મહત્ત્વપૂર્ણ સુવિધા અંગે માહિતી શેર કરી છે, જેમાં પહેલાં અને અત્યારની સ્થિતિ વચ્ચે સરખામણી દર્શાવવામાં આવી છે.
પહેલાં શું મુશ્કેલીઓ પડતી હતી?
યુઝર્સે પરિવારના તમામ સભ્યોના અલગ-અલગ ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવા પડતા હતા.
પ્રવાસ કે અન્ય કામકાજ દરમિયાન કાર્ડ ખોવાઈ જવાનો કે ખરાબ થઈ જવાનો સતત ડર રહેતો હતો.
ઓળખપત્ર તરીકે આધાર દર્શાવતી વખતે એક-એક કરીને કાર્ડ શોધવામાં અને બતાવવામાં વધુ સમય જતો હતો.
આ નવું ફીચર આવ્યા બાદ શું ફાયદા થશે?
5 પ્રોફાઈલ એક જ ફોનમાં: એક જ મોબાઈલમાં 1થી 5 પ્રોફાઈલ બનાવી શકાશે, જેનાથી પરિવારના તમામ સભ્યોની વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.
કાર્ડ સુરક્ષિત અને પ્રાઈવેટ: ભૌતિક રીતે કાર્ડ સાથે રાખવાની જરૂર ન હોવાથી માહિતી વધુ સુરક્ષિત અને પ્રાઈવેટ રહેશે.
મેનેજ કરવામાં સરળતા: અનેક પ્લાસ્ટિક કે પેપર કાર્ડ્સ સંભાળવાની અને સાચવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.
ફોનમાં આધાર પ્રોફાઈલ કેવી રીતે ઉમેરવી?
એપ ડાઉનલોડ કરો: સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી સત્તાવાર mAadhaar એપ ડાઉનલોડ કરો.
સિક્યોરિટી પિન બનાવો: એપ ઓપન કરીને તમારો 6-અંકનો સિક્યોરિટી પિન સેટ કરો.
Add Profile વિકલ્પ પસંદ કરો: એપના હોમ સ્ક્રીન કે ડેશબોર્ડ પર આપેલા "Add Profile"ના ઓપ્શન પર ટેપ કરો.
આધાર નંબર અથવા QR કોડ: જે-તે વ્યક્તિનો 12-અંકનો આધાર નંબર દાખલ કરો અથવા આધાર કાર્ડનો QR કોડ સ્કેન કરો.
ઓટીપી અને ઓથેન્ટિકેશન: આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો અથવા ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરો.
પ્રોફાઈલ સક્સેસફુલ: વેરીફિકેશન પૂર્ણ થતાં જ પરિવારના સભ્યની પ્રોફાઈલ તમારા ફોનમાં સક્સેસફુલી એડ થઈ જશે.
આ જ રીતે તમે એક પછી એક પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઈલ પણ ઉમેરી શકો છો. જો તમે પણ વારંવાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ, તો આજે જ mAadhaar એપ ડાઉનલોડ કરીને આ સુવિધાનો લાભ લઈ શકો છો.

