VIDEO: લિંબાયતના ચર્ચિત કોન્ટ્રાક્ટ કિલિંગ કેસમાં પોલીગ્રાફ ટેસ્ટના આધારે બિલ્ડર હાસીમ સિદ્દીકીની ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી ચર્ચિત આસિફખાન પઠાણની હત્યાના કેસમાં પોલીસે કોન્ટ્રાક્ટ કિલિંગનો મોટો ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા બિલ્ડર મહોમદ હાસીમ કબુલ અહમદ સિદ્દીકીની લિંબાયત પોલીસે સત્તાવાર અટકાયત કરી છે. અગાઉ પકડાયેલા આરોપીઓ અને મુખ્ય આરોપીના FSL સુરત ખાતે એસ.ડી.એસ. અને કોર્ટની મંજૂરી મેળવીને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ પોલીગ્રાફ ટેસ્ટ તેમજ ટેકનિકલ અને સાંયોગિક પુરાવાઓના મજબૂત આધારે આરોપીની સંડોવણી સ્પષ્ટ સાબિત થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. લિંબાયતના મારુતિનગર સર્કલ પાસે આસિફખાન પઠાણ પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ હતી, જેમાં અગાઉ કલીમુદ્દીન, મહોમદ દિલસાદ, મહોમદ શહજાદ અને સોયબ ઉર્ફે સલમાન મચ્છીની અટકાયત કરાઈ હતી. સુરત પોલીસના પી.આઈ. અને તેમની ટીમે ઝીણવટપૂર્વક તપાસ કરી કેસનો સફળ ઉકેલ લાવ્યો છે, જ્યારે આ મુખ્ય આરોપી વિરુદ્ધ અગાઉથી જ અલગ-અલગ ૨૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

