VIDEO: Auto/ જાણો, ઉનાળામાં તમારી કારની કેવી રીતે રાખવી સંભાળ, એન્જિનથી લઈન કેબિન સુધી રહેશે ઠંડક!
ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય છે, ત્યારે તડકામાં ઉભેલી કારની હાલત ખરાબ થઈ જાય છે. કાળઝાળ ગરમીમાં કાર અંદરથી ભઠ્ઠીની જેમ તપવા લાગે છે. ઉનાળાની ઋતુ માત્ર માણસો માટે જ નહીં પણ કાર માટે પણ પડકારરૂપ હોય છે. તેથી કારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. સારી વાત એ છે કે કેટલીક બાબતોને અનુસરીને તમે તમારી કારના એન્જિનથી લઈને કેબિન સુધી બધું જ ઠંડુ રાખી શકો છો. ચાલો જાણીએ તમારે શું કરવું જોઈએ.
યોગ્ય જગ્યાએ પાર્ક કરો
ઉનાળામાં જ્યારે પણ તમે ગાડી લઈને બહાર જાઓ, ત્યારે કોશિશ કરો કે કારને કોઈ કવર્ડ (ઢાંકેલી) પાર્કિંગમાં પાર્ક કરો. જો તે શક્ય ન હોય, તો કારને ઝાડ કે બિલ્ડિંગના છાયામાં પાર્ક કરો. આનાથી માત્ર કારનો કલર (પેન્ટ) સુરક્ષિત રહે છે એવું નથી, પરંતુ કારનું કેબિન પણ બહુ ગરમ થતું નથી. પરિણામે જ્યારે તમે ફરીથી કારમાં બેસશો ત્યારે તમને વધુ પડતી ગરમીનો અનુભવ થશે નહીં.
AC ચલાવવાની સાચી રીત
ગરમી બહાર કાઢો: તપતી કારમાં બેસતાની સાથે જ તરત જ AC ચાલુ ન કરો. પહેલા બારીના કાચ નીચે કરો અથવા દરવાજા ખોલીને એક મિનિટ રાહ જુઓ જેથી અંદરની ગરમ હવા બહાર નીકળી જાય.
ધીમે-ધીમે વધારો: ગરમ હવા બહાર નીકળી ગયા પછી AC ચાલુ કરો અને પછી તેની સ્પીડ ધીમે-ધીમે વધારો. આનાથી AC સિસ્ટમ પર દબાણ ઓછું પડે છે અને કાર જલ્દી ઠંડી થાય છે.
સનશેડ (Sunshade)
તમે તમારી કારની બારીઓ પર સનશેડ લગાવી શકો છો. આનાથી બારીઓ દ્વારા કારની અંદર સીધો તડકો આવશે નહીં. જોકે, આ એક આફ્ટર માર્કેટ એક્સેસરીઝ છે અને તેમાં તમારે થોડા પૈસા ખર્ચવા પડશે, પરંતુ તેનાથી કારમાં ગરમી ઓછી કરવામાં ઘણી મદદ મળશે. તમે લોકલ માર્કેટ કે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કાર માટે સનશેડ ખરીદી શકો છો. આ સાથે જ તમે વિન્ડશીલ્ડ (આગળનો કાચ) પર પણ સનશેડ લગાવી શકો છો. આ તમારા ડેશબોર્ડ અને પ્લાસ્ટિકના સાધનોને તડકાથી ખરાબ થતા બચાવશે.
એન્જિન, બેટરી અને ટાયરની સંભાળ
કૂલન્ટ અને ઓઈલ: ઉનાળામાં કારના એન્જિનને ઠંડુ રાખવું સૌથી મહત્વનું છે. તેથી સમય-સમય પર કૂલન્ટ અને એન્જિન ઓઈલ ચેક કરતા રહો અને સર્વિસમાં મોડું ન કરો.
ટાયર પ્રેશર: ઉનાળામાં અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ટાયરનું પ્રેશર જરૂર ચેક કરાવો. જો ટાયર જૂનું કે ઘસાઈ ગયું હોય, તો તેને બદલાવી નાખવું હિતાવહ છે.
બેટરી: વધુ પડતી ગરમી બેટરીની લાઈફ ઘટાડી દે છે. જો કાર સ્ટાર્ટ થવામાં સમય લેતી હોય અથવા લાઈટો બરાબર કામ ન કરતી હોય, તો મિકેનિકને બતાવી લેવું જોઈએ.

