VIDEO: Tech News / ખોટો ઉપયોગ થયો તો મોટું જોખમ... ચેતવણી છતાં એન્થ્રોપિકે પોતે જ લોન્ચ કર્યું Mythos જેવું AI મોડલ
એન્થ્રોપિકે મંગળવારે એક પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલની જાહેરાત કરી છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરી શકશે. આ નવા મોડલનું નામ Claude Fable 5 છે અને તે Mythos ક્લાસ AI મોડલ છે, જેને લઈને ખુદ કંપની પણ ઘણા મોટા-મોટા દાવા કરી ચૂકી છે. કંપનીએ જણાવ્યું હતું કે જો આ મોડલ કોઈ ખોટા હાથોમાં પડે છે, તો ભારે નુકસાન થઈ શકે છે.
હવે એન્થ્રોપિકે જણાવ્યું છે કે તે Mythos ની સમકક્ષનું જ એક મોડલ જાહેર કરી રહ્યું છે અને તેનું નામ Claude Fable 5 મોડલ છે. એન્થ્રોપિકના જણાવ્યા અનુસાર, આ નવું AI મોડલ કંપનીના એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સ અને પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ થશે.
એન્થ્રોપિકે જણાવ્યું છે કે આ નવું લોન્ચિંગ એક ખાસ સુરક્ષા સ્તર (સેફ્ટી લેયર) બાદ તૈયાર થઈ શક્યું છે. આ સેફ્ટી ગાર્ડ સાયબર સિક્યોરિટી અને બાયોલોજી જેવા સેન્સિટિવ સેક્ટર્સ (સંવેદનશીલ ક્ષેત્રો) સાથે જોડાયેલા ખતરનાક સવાલોના જવાબ આપતા અટકાવે છે.
એન્થ્રોપિકમાં રિસર્ચ પ્રોડક્ટ મેનેજમેન્ટના ચીફ ડિયાના પેને પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું છે કે તેમની કંપનીનું લક્ષ્ય 'રેસ ટુ ધ ટોપ' (ટોચ પર પહોંચવાની રેસ) નું છે. તેનો અર્થ એ છે કે ટેક્નોલોજીને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવી અને સેફ્ટી ફીચર્સને લાગુ કરવા, જેથી નુકસાન નહીં પણ વધુમાં વધુ લાભ મળે.
ગયા એપ્રિલ મહિનામાં એન્થ્રોપિકે Mythos લોન્ચ કર્યું હતું, જેના પછી આ પાવરફુલ AI મોડલે વોલ સ્ટ્રીટ અને સરકારી અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
Mythos કેમ ખાસ છે?
Mythos AI મોડલ સોફ્ટવેર હકીકતમાં સુરક્ષાની ખામીઓ (સિક્યોરિટી લૂપહોલ્સ) ઓળખવાની ક્ષમતા ધરાવી શકે છે, જેવો દાવો ખુદ કંપની તરફથી પણ કરવામાં આવી ચૂક્યો છે. તે સમયે કંપનીએ કહ્યું હતું કે તે આ મોડલ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નહીં કરાવે અને તેને માત્ર પસંદગીની કંપનીઓ સુધી જ મર્યાદિત રાખવામાં આવશે. સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે આ રોલઆઉટ 'પ્રોજેક્ટ ગ્લાસવિંગ' નામની સાયબર સુરક્ષા પહેલ હેઠળ રજૂ કરવામાં આવ્યું છે.
Claude Fable 5 ના લોન્ચિંગ સાથે એન્થ્રોપિક પોતાના અગાઉથી નક્કી કરેલા અંતિમ લક્ષ્યને પૂરું કરવા માંગે છે. આ લક્ષ્ય અંતર્ગત Mythos-સ્તરના મોડલોને મોટા પાયે લોન્ચ કરવાનું સામેલ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે રોકાણકારોનો રસ આ કંપનીમાં ઝડપથી વધી રહ્યો છે અને તેનો IPO આ વર્ષે જ આવી શકે છે.
એન્થ્રોપિકે મે મહિનામાં જણાવ્યું હતું કે તેનો રેવન્યુ રેટ વધીને 47 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જ્યારે ગયા વર્ષે તે લગભગ 10 અબજ ડોલર હતો. કંપનીએ તાજેતરમાં જ 965 અબજ ડોલરના વેલ્યુએશન પર નવું ફંડિંગ મેળવ્યું હતું અને આ ફંડિંગ તેની પ્રતિસ્પર્ધી કંપની ઓપનએઆઈ (OpenAI) ના 852 અબજ ડોલરના વેલ્યુએશન કરતાં પણ વધુ છે.
Claude Fable 5 ની કિંમત: 10 લાખ ઇનપુટ ટોકન માટે 10 ડોલર નક્કી કરવામાં આવી છે. જ્યારે, 10 લાખ આઉટપુટ ટોકન માટે 50 ડોલર નક્કી કરાયા છે. આ કિંમત Claude Opus 4.8 ની સરખામણીમાં લગભગ બમણી છે.

