કોઈની પણ Whatsapp ચેટ વાંચી શકે છે Meta? અમેરિકામાં કેસ બાદ કંપનીએ તોડ્યું મૌન

ઇન્ટરનેશનલ વોટ્સએપ યુઝર્સના એક ગ્રુપ દ્વારા મેટા વિરુદ્ધ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. વોટ્સએપની આ પેરન્ટ કંપની છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વોટ્સએપમાં એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન હોવા છતાં મેટા દ્વારા તેમના પ્રાઇવેટ મેસેજને એક્સેસ કરવામાં આવી રહ્યાં છે. આ કેસને 23 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં ફાઇલ કરવામાં આવ્યો છે. એમાં એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનને બોગસ કહેવામાં આવી રહ્યું છે.
મેટાના કર્મચારીઓ ઇન્ક્રિપ્શન બાયપાસ કરવા સક્ષમ
આ કેસ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, મેક્સિકો, બ્રાઝિલ અને ઇન્ડિયાના યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કેસમાં કહ્યું છે કે વોટ્સએપ અને મેટાના કર્મચારીઓ એપ્લિકેશનના એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનને બાયપાસ કરીને પ્રાઇવેટ મેસેજને વાંચી શકે છે. આ વિશે કેસમાં કહેવામાં આવ્યું છે કે ‘કોઈ પણ કર્મચારીએ મેસેજ વાંચવા માટે મેટાના એન્જિનિયરને ફક્ત એક ‘ટાસ્ક’ માટે અપ્રૂવલ સેન્ડ કરવાનું હોય છે કે તેમણે કેમ મેસેજ એક્સેસ જોઈએ છે. ત્યાર બાદ કોઈ પણ જાતના સવાલ કર્યા વગર મેટા એન્જિનિયર તેમને એક્સેસ આપી દે છે. યુઝરના યુનિક આઇડી દ્વારા તેઓ દરેક મેસેજ રિયલ ટાઇમમાં વાંચી શકે છે અને એવા મેસેજ પણ જે યુઝરે ડિલીટ કરી દીધા હોય.’
આ કેસનો જવાબ આપતાં મેટાના પ્રવક્તાએ કહ્યું કે આ આરોપ પાયાવિહોણો અને વાહિયાત છે. તેણે એ વાતની ખાતરી આપી છે કે વોટ્સએપનું એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન એવી રીતે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એને મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર જ વાંચી શકે છે. આ સાથે જ ઇન્ક્રિપ્શન કી યુઝરની ડિવાઇસમાં જ સ્ટોર થતી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. આથી મેટા અથવા તો કોઈના માટે પણ એને ડિક્રિપ્ટ કરવું શક્ય નથી એવું કહેવામાં આવી રહ્યું છે.
વોટ્સએપની સિક્યોરિટીને લઈને ઇલોન મસ્કે શું કહ્યું?
વોટ્સએપ પર હાલમાં જે કેસ કરવામાં આવ્યો છે એ વિશે ઇલોન મસ્કે પોતાનો વિચાર રજૂ કરતાં કહ્યું છે કે વોટ્સએપ સિક્યોર નથી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે અન્ય મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલ પર પણ સવાલો ઊઠી રહ્યાં છે. આથી તેમણે યુઝર્સને પોતાના પ્લેટફોર્મની મેસેજિંગ સર્વિસ XChatનો ઉપયોગ કરવા માટે લોકોને વિનંતી કરી છે. આ સર્વિસ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનની સાથે એડવાન્સ મેસેજ કન્ટ્રોલ અને યુનિફાઇડ ઇનબોક્સ સાથે આવે છે એટલે કે ડાયરેક્ટ મેસેજ અને નવું ચેટ ફંક્શન બન્ને એક જ જગ્યાએ જોઈ શકાશે.
આ પહેલી વાર નથી જ્યાં મેટા પર પ્રાઇવસીને લઈને કેસ કરવામાં આવ્યો હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના ભૂતપૂર્વ હેડ ઓફ સિક્યોરિટી અટ્ટાઉલ્લાહ દ્વારા વોટ્સએપમાં સિસ્ટમેટિક સાઇબરસિક્યોરિટી ફેઇલરને કારણે કંપની પર કેસ કર્યો હતો. તેમણે એ આરોપ મૂક્યો હતો કે લગભગ વોટ્સએપના 1500 જેટલા એન્જિનિયર્સને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર યુઝર્સના ડેટાનું એક્સેસ આપવામાં આવ્યું છે. આ દ્વારા તેઓ યુઝર્સની કોઈ પણ સેન્સિટિવ પર્સનલ ઇન્ફોર્મેશનને જોઈ અથવા તો કોપી કરી શકે છે અને એ પણ કોઈની જાણ બહાર.

