મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાણંદના રેથલ ગામના અનુસૂચિત જાતિના સ્મશાનની દયનીય સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

સાણંદના રેથલ ગામના અનુસૂચિત જાતિના સ્મશાનની દયનીય સ્થિતિ અંગે મુખ્યમંત્રીને રજૂઆત
દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડની રજૂઆત
સાણંદ તાલુકાના રેથલ ગામે અનુસૂચિત જાતિ સમાજના રોહિત, સેનવા અને વાલ્મિકી પરિવારો માટેના સ્મશાનની દયનીય સ્થિતિ અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તા. ૨૬/૦૯/૨૦૨૬ના રોજ રેથલ ગામ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પસાભાઈ રાઠોડ સાથે કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન સ્મશાન વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા, કાદવ-કીચડ, બિસ્માર રસ્તા, બાવળ-ઝાડી તથા પાયાની સુવિધાઓના અભાવ જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રજૂઆત મુજબ સેનવા સમાજના સ્મશાનમાં વરસાદી ગંદા પાણી ભરાયેલા છે અને શેડ કે પાકું પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી. વાલ્મિકી સમાજના સ્મશાનમાં પાણી, વીજળી અને શેડ જેવી સુવિધાઓનો અભાવ છે, જ્યારે રોહિત સમાજના સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ પણ યોગ્ય સ્થિતિમાં નથી. વરસાદ દરમિયાન રસ્તાઓની દયનીય સ્થિતિને કારણે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સાણંદ સુધી લઈ જવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સ્થિતિના કાયમી ઉકેલ માટે સ્મશાનની જમીન સરકારી રેકર્ડમાં કાયદેસર રીતે નીમ કરવા, પાકા રસ્તા, શેડ, સિમેન્ટના પ્લેટફોર્મ, પાણીના નિકાલ, વીજળી, પાણી અને કમ્પાઉન્ડ વોલ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
કિરીટ રાઠોડે મુખ્યમંત્રીશ્રીને સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી, સાણંદને સ્થળ તપાસના આદેશ આપી સમયમર્યાદામાં “એક્શન ટેકન રિપોર્ટ” (Action Taken Report) મંગાવવા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની લેખિત જાણ કરવા માંગ કરી છે. તેમજ આ રજૂઆતની નકલ જરૂરી કાર્યવાહી સારું અગ્ર સચિવ, મહેસૂલ વિભાગ; અગ્ર સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ; નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ; જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અને જિલ્લા કલેક્ટર, અમદાવાદને પણ મોકલવામાં આવી છે.