GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
પુત્ર- પુત્રવધૂ જમવાનું કે ખર્ચ નહિ આપતા માતાએ અભયમ બોલાવી, અભયમની સમજાવટથી જમવા આપવા સહમત થયા
રિપોર્ટેડ બાય: સમીર પટેલ, અમદાવાદપ્રકાશિત :

અમદાવાદ મા પુત્ર અને પુત્રવધૂ દ્વારા જમવાનું, ઘરખર્ચ કે ગેસની બાટલી માટે મદદ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે એક વૃદ્ધ મહિલાએ અભયમની મદદ માગી હતી. મહિલાએ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોવાનું તેમજ ઘણી વખત બહાર કામ કરતી દુકાને જ જમવું પડતું હોવાની રજૂઆત કરી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી પુત્ર-પુત્રવધૂ અને વૃદ્ધ માતાની વાત સાંભળી સમજાવટ કરતાં અંતે પરિવારનું સુખદ સમાધાન થયું હતું.
પુત્ર પુત્રવધૂ જમવાનું નહિ આપતા ,દુકાનદાર જમવાનું આપે છે
અભયમને કોલ મળતાં ટીમ વૃદ્ધ મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર તેમને કોઈ ખર્ચ આપતો નથી. ઘરમાં ગેસની બાટલી ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘરની વસ્તુનો ઉપયોગ કરે તો પુત્ર નાની-નાની બાબતોમાં હેરાનગતિ કરતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. પોતે દુકાને કામ કરવા જાય છે અને ત્યાં દુકાનના સંચાલક જમવાનું આપે છે, જેથી ત્યાં જ જમીને આવવું પડે છે. બાળકો માટે જમવાનું લઈ આવે તો પણ પુત્ર બાળકોને તે જમવા દેતો નથી તેવી રજૂઆત તેમણે કરી હતી.
માતા મોડી આવે છે ઢાંકેલું જમવાનું જાતે લઈ જમવાને બદલે ફેંકી દે છે
બીજી તરફ પુત્રએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેઓ માતા માટે જમવાનું બનાવે છે, પરંતુ માતા રાત્રે આશરે 10 વાગ્યા પછી ઘરે આવે છે. ત્યાં સુધીમાં પરિવારના સભ્યો ઊંઘી જતા હોવાથી બનાવેલું જમવાનું ઢાંકીને રાખવામાં આવે છે, પરંતુ માતા જાતે જમતી નથી અને જમવાનું ફેંકી દેવામાં આવે છે એવો પુત્રનો બચાવ હતો.પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઘરમાં ગેસ નો બાટલો નથી અને તેની આવક મર્યાદિત હોવાથી ગેસ ભરાવવા માટે થોડા દિવસ લાગશે. પત્ની કામ પર જઈ રૂ.5,000 કમાઈ લાવી હતી, જેમાંથી લાઇટ બિલ ભર્યું હોવાથી હાલ ગેસ માટે પૈસા ઉપલબ્ધ ન હોવાનું તેણે જણાવ્યું હતું.
જોકે, અભયમ ટીમની પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે અગાઉ ઘરમાં રહેલી ગેસનો બાટલો તેણે જ વેચી નાખી હતી અને મળેલા પૈસાથી નશાની પડીકીઓ ખરીદતી હતી. હાલની પરિસ્થિતિમાં પુત્ર-પુત્રવધૂ ગુજરાત સરકાર તરફથી મળતું ભોજન લાવી એક ટંક જમતા હોવાનું તથા રાત્રે ભડકા ખાઈને ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું હતું.
અભયમે માતાને સ્વયં પીરસી જમાડવા સુમેળ જાળવવા સમજાવ્યુ
બંને પક્ષની વાત સાંભળ્યા બાદ અભયમ ટીમે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી પુત્ર અને પુત્રવધૂને વૃદ્ધ માતા પ્રત્યેની જવાબદારી સમજાવી હતી. માતા મોડી આવે તો પણ તેમના માટે જમવાનું અલગ રાખીને તેમને જમવાનું આપવા તથા તેમની જરૂરી જરૂરિયાતોનું ધ્યાન રાખવા સમજાવ્યું હતું. સાથે જ માતાને પણ પરિવાર સાથે સુમેળ જાળવવા અને ઉપલબ્ધ જમવાનું સમયસર જમવા સમજાવવામાં આવ્યું હતું.અભયમની સમજાવટ બાદ પુત્ર-પુત્રવધૂએ વૃદ્ધ માતાને જમવાનું આપવા તેમજ શક્ય તેટલો ઘરખર્ચ આપવા સંમતિ દર્શાવી હતી. બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન થતાં અભયમ ટીમે પરિવારને જરૂરી સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
