મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ચોટીલામાં ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક ઝડપાયો: એક ફરાર, ₹60,500નો મુદ્દામાલ જપ્ત

ચોટીલામાં ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક ઝડપાયો: એક ફરાર, ₹60,500નો મુદ્દામાલ જપ્ત — ફોટો 1

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામેની ઝુંબેશ અંતર્ગત ચોટીલા પોલીસે કાર્યવાહી કરી છે. ચોટીલા શહેરના સોમેશ્વર સોસાયટી પાસે આવેલા પરમેશ્વર હનુમાનજી મંદિર નજીકથી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ અને પાંચ જીવંત કાર્ટિસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં તેનો એક સાગરીત ફરાર થઈ ગયો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસની ટીમે દરોડો પાડી આરોપીને પકડ્યો હતો. તેની પાસેથી એક દેશી પિસ્ટલ, પાંચ જીવંત કાર્ટિસ, એક મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹60,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીની ઓળખ રણુભાઈ અનકભાઈ ખાચર (ઉંમર 38, રહે. જાનીવડલા, તા. ચોટીલા) તરીકે થઈ છે. ફરાર આરોપી અહેમદ સબરખાન મલેક (રહે. ગેડીયા, દસાડા/પાટડી) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.   આ બનાવ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટની કલમ 25(1)(a), 25(1-B)(a) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.   આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક (DySP)ના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.કે. રાઠોડની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમાર, જયપાલસિંહ ડોડીયા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાઠોડ, રવિરાજસિંહ પરમાર તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ વિહાભાઈ છગનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.