મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કુમકુમ મંદિરના સંતો દ્વારા ગોત્રી વિસ્તારમાં સત્સંગ સભા યોજાઈ

  સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા ગોત્રી વિસ્તારમાં સત્સંગ સભા યોજાઈ હતી. જેની અંદર અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો.   આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર સંતો - હરિભક્તો દ્વારા પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી “સ્ટ્રેસ મેનજમેન્ટ” ઉપર અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ “સત્સંગ સુખદાયી" વિષય ઉપર પ્રેરણાદાયી પ્રવચન કર્યા હતા.   આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે માનસિક તણાવના કારણે દર વર્ષે વિશ્વમાં ર કરોડ માણસો આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ. જેમ દિવસ અને રાત્રી વારાફરતી આવ્યા જ કરે છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ વારાફરતી આવ્યા જ કરે છે. દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ.   જીવનમાં ઘણા માણસો દુઃખી હોય છે, તેથી તેમને ટેન્શન રહેતું હોય છે. દુઃખને ભૂલવા માટે, ટેન્શનથી મુક્ત થવા માટે રાત્રે ઉંઘની ગોળી લે છે, છતાંય તેમને ઉંઘ આવતી નથી. પરંતુ દુઃખથી મુક્ત થવા માટે ગોળી લેવાની જરૂર નથી. ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડીસિન નહીં, મેડીટેશનની જરૂર છે. તેથી ભગવાનનું ધ્યાન કરવાની ટેવ સૌ કોઈએ પાડવી જોઈએ. સવારે ઉઠીને અને રાત્રી સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજે માણસ સવારે ઉઠીને તરત અને સૂતી વખતે મોબાઈલના દર્શન કરે છે. તેના કારણે માનસિક તણાવ વધે છે,એના બદલે ભગવાનનાં દર્શન કરીને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, પરંતુ પુરુષાર્થ કરીને પછી વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. પિતા ક્યારેય પુત્રનું અહિત કરતાં નથી, તેમ ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે તેવો શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખશો, તો માનસિક સ્ટ્રેસમાંથી મુક્ત થવાશે.   કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વડોદરા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અંગેની સ્મૃતિ યાદ કરતાં કહ્યું કે, વડોદરા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈ.સ. ૧૮૧૦ મા પધાર્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બીજા)ને શ્રી હરિને વિષે અત્યંત ભાવ હતો. વાજતે ગાજતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને તેમણે હાથી અંબાડી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢી હતી. આ વડોદરા શહેરમાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સત્સંગના પ્રવર્તનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સદ્. શ્રી મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. એ પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.