GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિરપુરમાં સાયબર ગઠિયાને બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા બેની ધરપકડ
રિપોર્ટેડ બાય: વિપુલ જોષી, વિરપુરપ્રકાશિત :
ફોટો 1 / 2
મહિસાગર જીલ્લાના વિરપુર પોલીસે મ્યુલ એકાઉન્ટ સંદર્ભે ચલાવી ઝુંબેશમાં ચારેક મહિના પહેલા ચાર શંકાસ્પદ બેન્ક ખાતા મળ્યાં હતાં. આ અંગે તપાસ કરતાં જે તે સમયે આ એકાઉન્ટમાં લીમરવાડાના દીલીપસિંહ જેસીંગ ઠાકોરની સંડોવણી ખુલતા ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં વધુ બેની ધરપકડ કરી છે. વિરપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. ડી. પટેલે ડિસેમ્બર માસમાં ચાર શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.
આ ચાર એકાઉન્ટના એનાલીસીસમાં અલગ અલગ રાજ્યમાંથી 22મી ડિસેમ્બર, 2024થી ડિસેમ્બર, 2025 દરમિયાન સાયબર ક્રાઇમથી થયેલી ઠગાઇના નાણા હેરફેર થયાં હોવાનું જણાયું હતું. ત્રણ રાજ્યના સાયબર ફ્રોડના રૂ.14,31,650ની ઓનલાઇન છેતરપિંડી ખુલી હતી. આ દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડાને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલા શખસો હાલ અમદાવાદમાં હોવાની સંભાવના છે.
આ બાતમીના આધારે મહિસાગર એસઓજીની ટીમ દ્વારા અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં રહેતા પોપટસિંહ જેસીંગભાઇ પરમાર (મૂળ રહે. લીમરવાડા, તા. વિરપુર) અને વસ્ત્રાલના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગભાઇ મુકેશભાઇ સોનીને તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંનેને હસ્તગત કરી જિલ્લા ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિરપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


