મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવ ઉજવાયો

સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યાં. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશુંડાના જળથી છંટકાવ કરવામાં આવ્યો. આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા અને ઓચ્છવ કરવામાં આવ્યો. અંતમાં સૌને ધાણી ખજૂર ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો.   કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ - રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, 'ફૂલદોલોત્સવ' શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે - જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર - બાર બારણાંના હિંડોળમાં ઝુલાવવામાં આવ્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર - બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.   સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ 'કુલદોલોત્સવ' ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા 200 વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો - ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.