VIDEO: VIRAL / પહેલા પીછો કર્યો, પછી શિંગડાથી વૃદ્ધને 8 ફૂટ હવામાં ફંગોળ્યા; બાયસનનો હુમલો જોઈ લોકો ફફડી ઊઠ્યા
VIRAL / first chased, then hurled the old man 8 feet into the air with the horns; Seeing the attack of the bison, people were shocked | સોશિયલ મીડિયા પર અત્ય

સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક જંગલી બાયસને એક વૃદ્ધ પર એવો હુમલો કર્યો કે જોનારા ધ્રૂજી ઊઠ્યા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાયસન વૃદ્ધનો પીછો કરે છે. વૃદ્ધ થોડીવાર તો તે જંગલી જાનવરથી બચીને ભાગતા જોવા મળે છે, પરંતુ જેવા તેઓ બાયસનની નજીક આવે છે કે તરત જ બાયસન પોતાના શિંગડાથી વૃદ્ધને હવામાં ફંગોળી દે છે. વૃદ્ધ હવામાં 8 ફૂટ ઊંચે સુધી ઉછળીને નીચે પટકાય છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.
ક્યાંની છે આ ભયાનક ઘટના?
આ ઘટના અમેરિકાના પ્રખ્યાત યેલોસ્ટોન નેશનલ પાર્કની હોવાનું કહેવાય રહ્યું છે. જ્યાં એક જંગલી બાયસને અચાનક એક વૃદ્ધ પ્રવાસી પર હુમલો કરી દીધો. અહેવાલો અનુસાર, બાયસને પોતાના શિંગડાથી જોરદાર ટક્કર મારીને વૃદ્ધને આશરે 8 ફૂટ જેટલા હવામાં ઉછાળી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અચાનક બદલાઈ ગયું બાયસનનું વર્તન
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે 'બ્રિજ બે કેમ્પગ્રાઉન્ડ' વિસ્તારમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘટના પહેલા પણ બાયસન ખૂબ જ ગુસ્સામાં હતો. તે લોકો અને ત્યાંથી પસાર થતા વાહનો તરફ દોડી રહ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક વૃદ્ધ તેમના નાના પૌત્ર સાથે પાર્કમાં ફરી રહ્યા હતા. બંને બાયસનથી ઘણા અંતરે હતા અને સુરક્ષિત જગ્યાએથી તેને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી બાયસન શાંત દેખાવા લાગ્યો, તેથી લોકોને લાગ્યું કે હવે જોખમ ટળી ગયું છે.
અચાનક દાદા-પૌત્ર તરફ દોડ્યો બાયસન
ત્યારબાદ ત્યાંથી એક પિકઅપ ટ્રક પસાર થયો અને બાયસન ફરીથી ભડકી ગયો. જોકે તેણે ટ્રક પર હુમલો ન કર્યો, પરંતુ અચાનક દિશા બદલીને તે ઝાડ તરફ દોડ્યો જ્યાં વૃદ્ધ અને તેમનો પૌત્ર ઊભા હતા. બંનેએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પૌત્ર ઝડપથી દોડીને સુરક્ષિત નીકળી ગયો, પરંતુ વૃદ્ધ એટલી ઝડપથી ભાગી શક્યા નહીં. બાયસને તેમનો પીછો કર્યો અને ગણતરીની સેકન્ડોમાં શિંગડા વડે જોરદાર હુમલો કરી દીધો. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે વૃદ્ધ આશરે 8 ફૂટ સુધી હવામાં ઉછળ્યા અને જોરથી જમીન પર પટકાયા.
લોકોએ બહાદુરી બતાવી
હુમલા પછી પણ બાયસન ઈજાગ્રસ્ત વ્યક્તિની પાસે જ ઊભો રહ્યો હતો. લોકો ડરના કારણે મદદ માટે આગળ વધી શકતા નહોતા. ત્યારે કેટલાક લોકોએ હિંમત બતાવી. તેમણે જોર-જોરથી બૂમો પાડીને બાયસનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ત્યારબાદ તે જાનવર ત્યાંથી હટી ગયું અને ઈજાગ્રસ્ત પ્રવાસીને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી શકાયા.
પાર્ક પ્રશાસને આપી ચેતવણી
ઘટના બાદ યેલોસ્ટોન નેશનલ પાર્ક પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ જંગલી જાનવરોથી હંમેશા સુરક્ષિત અંતર જાળવી રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક પુખ્ત બાયસનનું વજન આશરે 900 કિલોગ્રામ સુધી હોઈ શકે છે અને તે માણસો કરતાં ઘણી ઝડપથી દોડી શકે છે. આવી સ્થિતિમાં તેની નજીક જવું કે તેને હળવાશથી લેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં ઈજાગ્રસ્ત વૃદ્ધની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.








