VIDEO/ નાસાનું ‘આર્ટેમિસ 2’ મિશન સફળ, ચારેય અવકાશયાત્રીઓ સુરક્ષિત પૃથ્વી પર પરત
સેન ડિએગો: અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છ
સેન ડિએગો: અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. નાસા (NASA)નું મહત્વાકાંક્ષી ‘આર્ટેમિસ 2’ (Artemis 2) કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની તેની 10 દિવસની ઐતિહાસિક સફર પૂર્ણ કરીને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યું છે. કેલિફોર્નિયાના સેન ડિએગોના દરિયાકાંઠે પ્રશાંત મહાસાગરમાં આ કેપ્સ્યુલે સફળતાપૂર્વક 'સ્પ્લેશડાઉન' કર્યું હતું.
પેરાશૂટની મદદથી સમુદ્રમાં ઉતરાણ
લગભગ 10 દિવસ સુધી અંતરિક્ષમાં વિતાવ્યા બાદ, ઓરિઅન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હતી અને પેરાશૂટની મદદથી અત્યંત સુરક્ષિત રીતે સમુદ્રના પાણીમાં ઉતરી હતી. મિશનમાં સામેલ ચારેય અવકાશયાત્રીઓ સંપૂર્ણપણે હેમખેમ છે. ઉતરાણની સાથે જ યુએસ નેવી અને નાસાની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમોએ તુરંત જ અવકાશયાત્રીઓને કેપ્સ્યુલમાંથી બહાર કાઢી તેમનું સ્વાગત કર્યું હતું.
ચંદ્ર પર માનવ ઉતરાણનો માર્ગ મોકળો
આર્ટેમિસ 2 મિશનની સફળતા એ માત્ર નાસા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે મોટી સિદ્ધિ છે. આ મિશનનો મુખ્ય હેતુ ચંદ્રની આસપાસ જઈને સ્પેસક્રાફ્ટની ક્ષમતાઓ ચકાસવાનો હતો. આ સફળતાએ હવે આગામી વર્ષોમાં માનવીને ફરી એકવાર ચંદ્રની સપાટી પર ઉતારવાના (Artemis 3) માર્ગને વધુ સ્પષ્ટ અને મોકળો કરી દીધો છે.





