VIDEO: યુક્રેને રશિયન યુદ્ધ જહાજ 'ઇઝુમરુદ'ને દરિયામાં ડૂબાડ્યું! 2018ના અપમાનનો સાડા સાત વર્ષે લીધો બદલો
Ukraine sank the Russian warship 'Izumrud' in the sea! Seven and a half years of revenge for the humiliation of 2018 | રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની નૌસેન

રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની નૌસેનાએ એક મોટો અને વ્યૂહાત્મક હુમલો કરીને રશિયાના ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) બૉર્ડર પેટ્રોલિંગ જહાજ 'ઇઝુમરુદ'ને દરિયાઈ ડ્રોન દ્વારા સમુદ્રમાં ડૂબાડી દીધું છે. આ હુમલામાં જહાજ પર સવાર અનેક રશિયન સૈનિકો અને કર્મચારીઓ હતાહત થયા હોવાની પુષ્ટિ થઈ છે. સેટેલાઇટ તસવીરોમાં જહાજના જમણી તરફના ભાગે (સ્ટારબોર્ડ સાઇડ) એક મોટું ગાબડું પડેલું સ્પષ્ટ જોઈ શકાય છે. આ સફળ ઓપરેશન બાદ યુક્રેનની નૌસેનાએ ચેતવણી આપી છે કે, બદલો લેવો અનિવાર્ય હતો અને આગામી સમયમાં રશિયા પર આવા વધુ હુમલા થવાના બાકી છે. આ ઘટના દરિયાઈ મોરચે યુક્રેનની વધતી જતી સૈન્ય તાકાત અને ક્ષમતાને દર્શાવે છે.
કેર્ચ્સની ખાડીના હુમલાનો સાડા સાત વર્ષે લીધો બદલો
રશિયાનું આ એ જ 'ઇઝુમરુદ' જહાજ છે, જેણે વર્ષ 2018માં કેર્ચ્સની ખાડી (Kerch Strait)માં યુક્રેનની નૌસેનાના ત્રણ જહાજો પર હુમલો કર્યો હતો અને યુક્રેનના 24 નાવિકોને બંધક બનાવી લીધા હતા. એ સમયે આ ઘટના વૈશ્વિક સ્તરે ભારે ચર્ચામાં રહી હતી. હવે લગભગ સાડા સાત વર્ષ બાદ યુક્રેને બરાબર એ જ જહાજને નિશાન બનાવીને રશિયાને સણસણતો જવાબ આપ્યો છે. યુક્રેનની નૌસેના આ કાર્યવાહીને પોતાના નાવિકોના અપમાનના બદલા તરીકે જોઈ રહી છે.
સ્વદેશી દરિયાઈ ડ્રોન 'સરગન-3000' વડે તબાહી
યુક્રેને આ હાઈટેક ઓપરેશનમાં 'સરગન-3000' (Sargan-3000) નામના અત્યાધુનિક દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ડ્રોન સંપૂર્ણપણે યુક્રેનની સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું હોવાનું મનાય છે. આ ડ્રોને જહાજના સ્ટારબોર્ડ સાઇડ પર એટલો સચોટ અને પ્રચંડ હુમલો કર્યો કે જહાજમાં મોટું પંક્ચર પડી ગયું અને તે પાણીમાં ગરકાવ થઈ ગયું. જોકે, હુમલામાં માર્યા ગયેલા રશિયન ક્રૂ મેમ્બર્સની ચોક્કસ સંખ્યા હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી નથી. યુક્રેનની સેના હવે બ્લેક સી (કાળો સમુદ્ર)માં રશિયન જહાજોને સતત નિશાન બનાવીને રશિયાની નૌસેના માટે મોટો પડકાર ઊભો કરી રહી છે.
યુદ્ધના મોરચે રશિયા માટે મોટી શરમ, યુક્રેનની પ્રતીકાત્મક જીત
સૈન્ય નિષ્ણાતોના મતે, આ ઘટના રશિયા-યુક્રેન યુદ્ધના દરિયાઈ મોરચે એક ખૂબ જ મહત્ત્વનો વળાંક છે. રશિયા માટે આ અત્યંત શરમજનક બાબત છે, કારણ કે 2018માં કેર્ચ્સની ખાડીમાં કરેલા હુમલાને રશિયા પોતાની મોટી જીત માનતું હતું. હવે એ જ જહાજનું સમુદ્રમાં ડૂબી જવું એ યુક્રેન માટે એક મોટી પ્રતીકાત્મક જીત છે. રશિયન નૌસેના માટે હવે યુક્રેનના આ દરિયાઈ ડ્રોન સૌથી મોટો અને જીવલેણ ખતરો બની ગયા છે.





