VIDEO: દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર લહેરાયો તિરંગો, 80મા સ્વાતંત્ર્ય પર્વે સર્જાયો ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ
દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય

દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાતો નજરે પડતાં સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ સર્જાયો હતો.
આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો સંગમ
જગતમંદિરના શિખર પર લહેરાતા તિરંગા સાથે ભગવાન દ્વારકાધીશની પાવન નગરીમાં દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી શોભતા મંદિરના શિખરને નિહાળી દર્શનાર્થે આવેલા ભક્તો અને સ્થાનિકોમાં ગૌરવ તેમજ દેશપ્રેમની વિશેષ લાગણી જોવા મળી હતી.
ભગવાન દ્વારકાધીશના ધામમાંથી આ પાવન પ્રસંગે દેશવાસીઓને એક સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર સરકારી કે સત્તાવાર કાર્યક્રમો પૂરતી સીમિત ન રહેતાં, દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થવી જોઈએ. આ સ્વાતંત્ર્ય પર્વે દેશના દરેક નાગરિકે પોતાના ઘર પર તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ ગૌરવપૂર્ણ અને સફળ બનાવવાની આહલેક જગતમંદિરથી જગાવવામાં આવી હતી.





