મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દશાડામાં 3 ઈંચ વરસાદ, વાંસલ ડેમ ઓવરફ્લો અને ધોળીધજા ડેમ 90 ટકા ભરાયો

ઝાલાવાડ પંથકમાં મેઘરાજા

તસવીર: gstv

ઝાલાવાડ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

વાંસલ ડેમ ઓવરફ્લો, ધોળીધજા 90 ટકા ભરાયો

અવિરત વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયો છલકાઈ રહ્યા છે. સતત વરસાદને પગલે સુરેન્દ્રનગરનો મહત્વનો વાંસલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ છવાયો છે. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો ધોળીધજા ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે, જેથી શહેર અને જિલ્લાની પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 

દસાડા તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વઢવાણ, લખતર, મૂળી અને ચુડા તાલુકામાં 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ડેમોમાં પાણીની ભારે આવક અને ઓવરફ્લોની સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ બન્યું છે. વાંસલ ડેમ ઓવરફ્લો થતાં અને ધોળીધજા ડેમની સપાટી વધતાં નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી એલર્ટ (સાવધ) કરવામાં આવ્યા છે. લોકોને નદીપટ કે જળાશયો નજીક ન જવાની તથા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો