મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: પંચમહાલમાં વરસાદી ખેંચ, સંકટમાં ચોમાસુ પાક!

પંચમહાલમાં વરસાદી ખેંચ, સંકટમાં ચોમાસુ પાક! ધરતીપુત્રોની આંખો આકાશ તરફ મંડાઈ! મોંઘા બિયારણ વાવ્યા

તસવીર: gstv

પંચમહાલમાં વરસાદી ખેંચ, સંકટમાં ચોમાસુ પાક!

ધરતીપુત્રોની આંખો આકાશ તરફ મંડાઈ!

મોંઘા બિયારણ વાવ્યા પછી હવે મેઘરાજા ક્યારે કરશે મહેર?

પંચમહાલ જિલ્લામાં સારો શરૂઆતી વરસાદ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ખેંચ અપાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. સમયસર થયેલા વરસાદને કારણે ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કરી દીધું હતું, પરંતુ હવે પાક ઉગીને તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ વરસાદે વિરામ લેતા ખેતરો સુકાવા લાગ્યા છે. સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતાં ખેડૂતોની રાતની ઊંઘ ઉડી ગઈ છે. જિલ્લાના ખેતરોમાં હાલ ભેજનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જેના કારણે ઊભા પાક પર સુકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો આગામી થોડા દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. મકાઈ, ડાંગર સહિતના અન્ય પાકોની ગુણવત્તા અને ઉત્પાદન પર તેની સીધી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સૂકા ભઠ્ઠ ખેતરો વચ્ચે ધરતીપુત્રની પોકાર: "હે મેઘરાજા! હવે તો વરસી પડો..."

ગોધરા તાલુકાના સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, વાવેતર પાછળ ખાતર, બિયારણ અને મજૂરીનો મોટો ખર્ચ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં જો વરસાદ હજુ વધુ ખેંચાશે તો અમારો તમામ પરિશ્રમ અને મૂડી એળે જશે. હવે માત્ર ને માત્ર મેઘરાજા સમયસર વરસે અને પાકને સંજીવની મળે તેવી એકમાત્ર આશા ખેડૂતો રાખી રહ્યા છે. હાલ સમગ્ર પંચમહાલના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. મોંઘાદાટ બિયારણ અને ખાતર વાવીને બેઠેલા ધરતીપુત્રો હવે કુદરતની મહેરબાનીની વાટ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને નહીં વરસે તો ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનશે, ત્યારે હવે વરુણદેવ ક્યારે રીઝાય છે તેના પર જ સૌની નજર ટકેલી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો