જાણો સવાયા ગુજરાતી ફાધર વાલેસ વિશે, જેમનો વડોદરામાં વડાપ્રધાન મોદીએ કર્યો હતો ઉલ્લેખ
વીડિયો સૌજન્ય : ગુર્જરવાણી યુટ્યુબ"એક સમયે ફાધર વાલેસ ગુજરાતની નવી પેઢી સુધી પહોંચ્યા હતાં. હવે ગુજ

વીડિયો સૌજન્ય : ગુર્જરવાણી યુટ્યુબ
"એક સમયે ફાધર વાલેસ ગુજરાતની નવી પેઢી સુધી પહોંચ્યા હતાં. હવે ગુજરાતની નવી પેઢીને ફાધર વાલેસ સુધી પહોંચાડવાની છે." - ડો.સુદર્શન આયંગર
”સવાયા ગુજરાતીથી વિશ્વનાગરિક સુધીના બિરૂદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીનું સન્માન પામી ચૂકેલા ફાધર વાલેસને જાણવા, સાંભળવા કે વાંચવા એ તો ગુજરાતી ભાષાનું સન્માન છે! એકવીસમી સદીમાં સંત કેવા હોવા જોઈએ એની સાક્ષાત્ જીવંત વ્યાખ્યા એટલે આ સારસ્વત કાર્લોસ જી. વાલેસ." - જય વસાવડા
28 તારીખે સ્પેનના રાષ્ટ્ર પ્રમુખ પેડ્રો સાંચેઝ ભારત પ્રવાસે હતા. વડોદરામાં પીએમ મોદી અને સાંચેઝે દ્વિપક્ષીય મંત્રણા કરી અને સાથે બંને વડાપ્રધાને વડોદરામાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કર્યું. આ પ્રસંગે વડપ્રધાન મોદીએ ઉદ્બોધન કરતા ભારત અને ખાસ કરીને ગુજરાત અને સ્પેનના સંબંધો વિશે વાત કરી હતી, જેમાં સ્પેનથી ગુજરાત આવીને વસેલા ફાધર વાલેસનો પણ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
મૂળ સ્પેનના હોવા છતાં ગુજરાતી ભાષાના પનોતા પુત્ર અને સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા અને ગુજરાતી ભાષામાં 100થી વધુ પુસ્તકો લખનાર ફાધર વાલેસ વિશે દરેક ગુજરાતીએ, સાહિત્ય રસિકે અને ખાસ કરીને આર્ટ્સના વિદ્યાર્થીએ જરૂર જાણવું જોઈએ.
ફાધર વાલેસ મૂળ સ્પેનના આથી તેમની માતૃભાષા સ્પેનિશ, પણ તેઓ જર્મન, ફ્રેન્ચ, લેટિન, ગ્રીક અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષા પણ શીખ્યા હતા. અંગ્રેજી ભાષા પ્રત્યે ફાધર વાલેસને ભારોભાર અણગમો હતો. આથી જ તેમણે કહ્યું હતું, “અંગ્રેજી શીખવાનું પાપ મેં ભારત આવીને કર્યું. અંગ્રેજી સારી ભાષા છે, પણ જેવી લખાય છે તેવી બોલાતી નથી.”
ફાધર વાલેસ 1949માં ભારતમાં આવ્યા
પદ્મશ્રી ફાધર વાલેસનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ હતું. ઈસુસંઘની સાધુ સંસ્થામાં ઈ.સ.1941માં પ્રવેશ કરી ઈ.સ.1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લેટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી ઈ.સ. 1949માં તેઓ ભારતમાં આવ્યા અને ઈ.સ.1950માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. એ પછી ગુજરાતમાં આવ્યા અને વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ દ્વારા અધ્યાપનકાર્ય આરંભ્યું. એમણે ગુજરાતીમાં ગણિતનાં પાઠ્યપુસ્તકો લખ્યાં અને ગુજરાતમાં અન્ય અધ્યાપકો સાથે નૂતન ગણિતનો પાયો નાખ્યો. તેમણે 1990માં માતાની સેવા કરવા વતન જવા માટે ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રીડ, સ્પેનમાં રહેતા હતા. 9 નવેમ્બર, 2020ના રોજ મેડ્રીડમાં નિધન થયું. ગુજરાતમાં તેઓ 50 વર્ષ રહ્યાં હતા.
ફાધર વાલેસ ગુજરાતી શા માટે અને કેવી રીતે શીખ્યાં?
દક્ષિણ ભારતથી અમદાવાદ આવીને ગુજરાતી શા માટે શીખ્યાં એ વિશે ફાધર વાલેસે કહ્યું કે જયારે તેઓ દક્ષિણ ભારતમાં હતા ત્યારે કોલેજના વર્ગખંડ દરમિયાન અધ્યાપક અને વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાતચીત કરતા, પણ જેવો વર્ગ પુરો થાય એટલે વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં અભ્યાસ અંગે વાતચીત કરવા લાગતા. આથી મેં નક્કી કર્યું કે તેમનું કામ કાળા પાટિયા સાથે નહીં, પણ વિદ્યાર્થીઓ સાથે હતું, અને વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવા તેમની માતૃભાષામાં શિક્ષણ આપવું જરૂરી હતું. આથી ફાધર વાલેસે ગુજરાતી ભાષા શીખવાનું નક્કી કર્યું. તેઓ એક ગુજરાતી શીખવનાર પાસે એક વર્ષ સુધી ગુજરાતી શીખ્યા, પણ સંતોષ ન થયો અને વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિમાં સારી રીતે ગુજરાતી શીખ્યાં. ફાધર વાલેસ ગુજરાતી ભાષા એટલી સરસ રીતે શીખ્યા કે એમાં એકરૂપ થઈ ગયા. વલ્લભવિદ્યાનગર હોસ્ટેલમાં રહ્યા ત્યારે વિદ્યાર્થીઓને સાંભળી સાંભળીને ગુજરાતી ભાષા શીખતા ગયા. એ પછી તો ગુજરાતી ભાષામાં માહેર થયા.
પ્રાઈસ્ટનું કામ ધર્મપરિવર્તન કરાવાવનું નથી : ફાધર વાલેસ
ફાધર વાલેસ ઈસાઈ સંત એટલે કે પ્રાઈસ્ટ હતા. તેઓ કહેતા કે પ્રાઈસ્ટનું સાચું કામ ધર્મપરિવર્તન કરાવાવનું નથી, પણ લોકોને સારા બનાવવાનું છે. કાકાસાહેબ કાલેલકરે ફાધર વાલેસ વિશે કહ્યું હતું, “ફાધર વાલેસ હિન્દુઓને ઈસુ ખ્રિસ્તને ચાહતા બનાવે છે.” ફાધર વાલેસે જેમને પોતાનું 'નાઈન નાઈટ્સ ઈન ઈન્ડિયા' પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરતા લખ્યું છે કે ઈન મેમરી ઓફ કાકા કાલેલકર, હૂ અન્ડરસ્ટૂડ મી. એટલે કે કાકા કાલેલકરને જેઓ મને સમજી શક્યા હતા.
ગુજરાતીમાં 100થી વધુ પુસ્તકો લખી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું
ગુજરાતી ભાષામાં 100થી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં ઘણા પુસ્તકો લોકોના જીવન સાથે સીધા જોડાયેલા છે. એ પુસ્તકોમાં કિશોરોની, યુવાનોની, વાલીઓની અને માતાપિતાની એમ સમગ્ર સમાજની સમસ્યાઓને માર્મિક રીતે વ્યક્ત કરીને સહૃદયતાપૂર્વક માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતી પ્રજાના કુટુંબજીવનના, સમાજજીવનના નાના-મોટા વિવિધ પ્રશ્નો અને તેના જીવનની લગભગ બધી પરિસ્થિતિઓમાંથી જન્મતા કોયડાઓ વિશે એમણે રોચક શૈલીમાં લખ્યું છે.
ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા ગણનાર ફાધર વાલેસે ગુજરાતી સાહિત્યને અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું છે. તેઓ કહેતા, "આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો."
ફાધર વાલેસે લગ્ન કર્યા ન હતા છતાં પતિ-પત્નીનું જીવન કેવું હોય એ વિશે ‘લગ્નજીવન’ નામે એક સાર્થક પુસ્તક લખ્યું. કોઈના લગ્ન થતા તો સંબંધીઓ ફાધર વાલેસનું આ ‘લગ્નજીવન’ પુસ્તક નવ ભેટમાં આપતા. તેમના સર્જનમાં 100થી વધુ ગુજરાતી પુસ્તકો, 24 અંગ્રેજી અને 42 સ્પેનિશ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે ગણિત પર 12 પુસ્તકો લખ્યા હતા.
ફાધર વાલેસ સવાયા ગુજરાતી : કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશીના ઘરે ઉમાશંકર કાકા કાલેલકર ઓસરીમાં બેસીને વાતો કરતા હતા. ફાધર વાલેસ ત્યાં ગયા. એ વખતે વાતચીતમાં કાકાસાહેબ કાલેલકરે તેમને કહ્યું હતું કે લોકો મને અને તમને બંનેને સવાયા ગુજરાતી તરીકે ઓળખે છે, પરંતુ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, તે ગુજરાતી ભાષાની ભગિની ભાષા જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તમે આ ભાષાને આત્મસાત કરીને અને એનું ગૌરવ વધાર્યું.
નવા ગણિતમાં ફાધર વાલેસનું યોગદાન
ફાધર વાલેસ 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્યમાં જેટલું પ્રદાન કર્યું છે તેટલું પ્રદાન ગણિત વિષયમાં પણ કર્યું છે. ગુજરાતી ભાષામાં તો તેમણે પોતાની આગવી, સરળ, સહજ અને કોઈપણ વ્યક્તિને તરત જ સમજાઈ જાય એવી ગદ્યશૈલીમાં ખૂબ લખ્યું અને લાખો ગુજરાતીઓનાં હૃદયમાં તેઓ સ્થાન પામ્યા, પરંતુ ગણિતમાં પણ તેમણે માતબર પ્રદાન કર્યું. વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્ એવા પ્રહલ્લાદભાઈ ચૂનીલાલ વૈદ્ય, જેઓ પી. સી. વૈદ્ય તરીકે જાણીતા હતા, તેમના નેજા હેઠળ ગુજરાતમાં નવું ગણિત આવ્યું તેમાં નવા ગણિતની ગુજરાતીમાં નવી પરિભાષાઓ અને નવા શબ્દોનું સર્જન તેમણે કરેલું.
ગુજરાત સમાચારમાં ‘નવી પેઢી’ કોલમ અને યુવાનોમાં ફાધર વાલેસની લોકપ્રિયતા
ગુજરાત સમાચાર અખબારમાં રવિપૂર્તિમાં ફાધર વાલેસની 'નવી પેઢીને' નામની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. મૂલ્યનિષ્ઠા સાથેની વાત કરીને યુવાનોને આકર્ષવાના હોય તે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ફાધર વાલેસ તેમાં જબરદસ્ત સફળ થયેલા. તેમની કોલમ નવી પેઢીમાં ખૂબ વંચાતી. એ વખતે એવું કહેવાતું કે ગુજરાતના યુવાનોને બે ફાધર છે - એક બાયોલોજિકલ અને બીજા વૈચારિક ફાધર તે ફાધર વાલેસ. ગુજરાત સમાચારની તેમની આ કોલમથી તેઓ એટલા પ્રખ્યાત બન્યાં હતા કે એડ એજેન્સીના માલિકો એવો આગ્રહ રાખતા કે તેમની પ્રોડક્ટની જાહેરાત ફાધર વાલેસની કોલમની આજુબાજુમાં છપાય જેથી યુવાનોની નજર તેના પર પડે અને તેમનું વેચાણ વધે.
ફાધર વાલેસને મળેલા પુરસ્કાર અને સન્માન
* ફાધર વાલેસને ગુજરાત સરકાર તરફથી પાંચ વખત નિબંધો માટે સાહિત્યિક પુરસ્કારો મળ્યા હતા
* ‘કુમાર’ સામાયિકમાં એમણે ‘વ્યક્તિઘડતર’ના શ્રેણીબંધ લેખો લખ્યા અને ‘કુમાર ચન્દ્રક’ - 1966)
* ‘લોકશિક્ષણાત્મક પ્રેરણાદાયી સાહિત્ય’ માટે રણજિતરામ સુવર્ણચન્દ્રક - 1978
* ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એમનાં પુસ્તકો માટે એમને શ્રીઅરવિંદ ચંદ્રક - 1978
* આચાર્ય કાકાસાહેબ કાલેલકર એવોર્ડ ફોર યુનિવર્સલ હારમોની પુરસ્કાર - 1995
* રામકૃષ્ણ જયદલાલ સમન્વય પુરસ્કાર - 1997
* મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે ‘સચ્ચિદાનંદ સન્માન’ - 2002
* ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો
* મુંબઈના જૈન સમુદાય સાથેની તેમની મિત્રતા માટે તેમને માનદ જૈન નામ
* સંતોકબા હ્યુમેનીટેરીયન એવોર્ડ -2015
* સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન - 2021








