VIDEO: અમેરિકામાં નોર ઇસ્ટરનો કહેરઃ 425 ફ્લાઈટ રદ, 1.19 લાખ ઘરોમાં અંધારપટ
અમેરિકાના પૂર્વ કિનારે શક્તિશાળી નોર ઇસ્ટર (Nor’easter) વાવાઝોડાએ ભારે અસર

અમેરિકાના પૂર્વ કિનારે શક્તિશાળી નોર ઇસ્ટર (Nor’easter) વાવાઝોડાએ ભારે અસર પહોંચાડી છે. વોશિંગ્ટન ડીસીથી લઈને ઉત્તરપૂર્વીય રાજ્ય મૈને (Maine) સુધી ભારે પવન, ધોધમાર વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાને કારણે જનજીવન ખોરવાયું છે અને હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સહિતના વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
425થી વધુ ફ્લાઈટ રદ, 1338 વિલંબિત
નોર ઇસ્ટરની અસર અમેરિકાના હવાઈ પરિવહન પર પણ જોવા મળી છે. શનિવારે 26 સપ્ટેમ્બરે અમેરિકા આવતી-જતી આશરે 425 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 1338 ફ્લાઈટ્સ મોડી પડી હતી. સપ્તાહના અંતે મુસાફરી કરી રહેલા હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ્સના સંચાલનમાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ હતી.
ભારે પવનથી વીજ પુરવઠો ખોરવાયો
વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો, ડાળીઓ અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. તેના કારણે ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ન્યૂયોર્ક અને પેન્સિલવેનિયા સહિતના રાજ્યોમાં 1,19,000થી વધુ ઘરો, દુકાનો અને ઓફિસોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. માત્ર લોંગ આઇલેન્ડમાં જ 13,300થી વધુ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા.
ન્યૂયોર્ક-ન્યૂ જર્સીમાં કટોકટી, સોમવાર સુધી ચેતવણી
વાવાઝોડાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક સિટી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ (State of Emergency) જાહેર કરવામાં આવી છે. કનેક્ટિકટે પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય કર્યું છે. યુએસ નેશનલ વેધર સર્વિસે સોમવાર સુધી મિડ-એટલાન્ટિક અને ન્યૂ ઇંગ્લેન્ડ વિસ્તારમાં ગંભીર હવામાન, ભારે વરસાદ અને જોખમી સમુદ્રી મોજાં અંગે ચેતવણી જાહેર કરી છે.






