VIDEO: અમેરિકા પર કુદરતનો ત્રિપલ એટેક: પૂર, દાવાનળ અને ઝેરી ધુમ્મસથી 10 કરોડ લોકો પ્રભાવિત
US Climate Crisis: અમેરિકા આ સમયે કુદરતના ત્રિપલ એટેક એટલે કે એક

US Climate Crisis: અમેરિકા આ સમયે કુદરતના ત્રિપલ એટેક એટલે કે એકસાથે ત્રણ મોટી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પૂર, જંગલોની આગ અને ઝેરી ધુમ્મસના કારણે હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે વહીવટીતંત્ર દ્વારા કરોડો લોકોને ઘરોની અંદર જ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
ટેક્સાસમાં પૂરનો પ્રકોપ અને રેકોર્ડબ્રેક વરસાદ
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. મંગળવારથી અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં 27 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સત્તાવાળાઓએ આગામી સમયમાં સ્થિતિ વધુ વણસવાની ચેતવણી આપી છે.
15 રાજ્યોના જંગલોમાં બેકાબૂ દાવાનળ
બીજી તરફ, અમેરિકાના 15 રાજ્યોના જંગલોમાં લાગેલી આગ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ છે. અમેરિકન એજન્સી નેશનલ ઇન્ટરએજન્સી ફાયર સેન્ટર (NIFC)ના જણાવ્યા અનુસાર, દેશભરમાં આ સમયે 68 મોટા જંગલો આગની ઝપેટમાં છે. પેસિફિક નોર્થવેસ્ટ ક્ષેત્રમાં વીજળી પડવાના કારણે અચાનક 17 નવી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે 17,400થી વધુ ફાયર ફાઇટર્સ અને સૈનિકો, 140 હેલિકોપ્ટર તેમજ 4 મિલિટરી C-130 એર ટેન્કર્સ તહેનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 37.2 લાખ એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે.
કેનેડાના ધુમાડાથી અમેરિકાનું આકાશ ધૂંધળું
આ બે આપત્તિઓ વચ્ચે કેનેડાના જંગલોની આગમાંથી નીકળેલા ધુમાડાએ અમેરિકાના મિડવેસ્ટ, નોર્થઇસ્ટ અને વોશિંગ્ટન ડીસી સહિતના પૂર્વીય ભાગોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. પરિણામે 10 કરોડથી વધુ લોકો ઝેરી ધુમ્મસની અસર હેઠળ આવ્યા છે અને ત્યાં એર ક્વોલિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિકાગોની હવા વિશ્વની બીજા નંબરની સૌથી પ્રદૂષિત હવા નોંધાતા ત્યાંના તમામ પાર્ક અને બીચને અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે.
ક્લાયમેટ ચેન્જ અંગે વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી
હવામાન વૈજ્ઞાનિકોના મતે, આ ત્રણેય આપત્તિઓ અલગ-અલગ નથી પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જનો જ એક ભાગ છે. વધતા જતા વૈશ્વિક તાપમાનને કારણે એક તરફ દુષ્કાળ અને જંગલોની આગ વધી રહી છે, તો બીજી તરફ વાતાવરણમાં ભેજ વધવાના કારણે રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરની ઘટનાઓ સામે આવી રહી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં આવી સંયુક્ત કુદરતી આપત્તિઓ વધુ સામાન્ય બની જશે.








