VIDEO: રથયાત્રા પૂર્વે ATSનું મોટું ઓપરેશન; સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદને ડિટેન કર્યા, જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ
રથયાત્રા પહેલાં ગુજરાતમાં સુરક્ષા

રથયાત્રા પહેલાં ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત ATS અને મધ્યપ્રદેશ ATSએ સંયુક્ત કાર્યવાહીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરતા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી પાંચ જેટલા શંકાસ્પદ ઇસમોને ડિટેન કર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પકડાયેલા તમામ શંકાસ્પદો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ સિદ્ધપુરમાંથી ત્રણ, પાલનપુરમાંથી ત્રણ અને ચીખલીમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન સિદ્ધપુર તાલુકામાં આતંકી નેટવર્ક વધુ સક્રિય હોવાના સંકેતો મળતાં ATSએ અહીં વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે.
આ દરમિયાન ATSની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેતા આતંકી મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને તપાસ કરી હતી અને પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. ઉપરાંત, શંકાસ્પદ સામાનની ખરીદી સંબંધિત કડીઓ મેળવવા ઝાપલીપોળ સહિતના બજારોમાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડી સાંજ સુધી ચાલેલી પૂછપરછના આધારે આગામી દિવસોમાં આ સમગ્ર આતંકી નેટવર્ક અંગે વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે. જોકે, તપાસ હજુ ચાલુ હોવાથી ATS દ્વારા સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.








