VIDEO: મહારાષ્ટ્રમાં MPSC ભરતીમાં પેપર લીકની આશંકા, વોટ્સએપ ચેટ લીક થયા બાદ FIR અને તપાસના આદેશ
દિલ્હીમાં CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ

દિલ્હીમાં CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) દ્વારા યોજાયેલી ડ્રગ ઈન્સ્પેક્ટર (ઔષધિ નિરીક્ષક) ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપો બાદ આખી ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા 488 ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCPS) ના ધારાસભ્ય રોહિત પવારે આ મામલે સઘન તપાસની માગ કરી છે.
MPSC અધ્યક્ષની સ્પષ્ટતા અને પોલીસ ફરિયાદ
MPSC ના અધ્યક્ષ વિવેક ભીમનવારે જણાવ્યું હતું કે, '22 માર્ચે યોજાયેલી આ પરીક્ષામાં લગભગ 31,000 ઉમેદવારો બેઠા હતા. 12 જૂને પરિણામ આવ્યા બાદ 1 થી 12 જુલાઈ વચ્ચે ઈન્ટરવ્યૂ યોજાયા હતા. 21 જુલાઈએ આયોગને ગેરરીતિ અંગે ઈ-મેઈલ મળ્યો હતો, પરંતુ તે અસ્પષ્ટ હતો. ત્યારબાદ 23 જુલાઈએ અન્ય એક ઈ-મેઈલ મારફતે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ મોકલાયા હતા, જેમાં દાવો કરાયો હતો કે પ્રશ્નપત્ર 20 માર્ચે જ લીક થઈ ગયું હતું.' તેમણે ઉમેર્યું હતું કે આયોગની સાખ જાળવવા FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે.
ફરિયાદ કરનાર અને વિરોધ પક્ષના ગંભીર આક્ષેપો
ફરિયાદ કરનાર ઋષિકેશ ગંગુરડે પાટીલ અને સુરેશ શિરસાઠ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. ઋષિકેશ પાટીલે દાવો કર્યો હતો કે, 'પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 20 થી 25 જેટલા ઉમેદવારોને શંકાસ્પદ રીતે ખુબ જ ઊંચા માર્ક્સ મળ્યા છે.' તો બીજી તરફ, NCPS ના ધારાસભ્ય રોહિત પવારે પારદર્શક તપાસની માગ કરતા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ભાજપનો પલટવાર: અફવા ફેલાવવાનો આરોપ
સાંસદ અને ભાજપના નેતા રામ કદમે પેપર લીકના આક્ષેપોને અફવા ગણાવતા કહ્યું હતું કે, 'પરીક્ષામાં નાપાસ થયેલા કે ઈન્ટરવ્યૂમાં સરેરાશ પ્રદર્શન કરનારા ઉમેદવારો ફરીથી પરીક્ષા યોજાય તેવા હેતુથી આવી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. વોટ્સએપ પર જે પ્રશ્નપત્ર વાયરલ થવાનો દાવો કરાયો છે તે વાસ્તવિક પેપર હતું જ નહીં.'
સંજય રાઉતનો સરકાર પર પ્રહાર અને CET કૌભાંડનો આરોપ
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. શાળાઓ બંધ થઈ રહી છે અને TET તેમજ MPSC ના પેપરો લીક થઈ રહ્યા છે.'
આ સિવાય વિપક્ષી નેતા સચિન સાવંતે તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર CET 2026 માં પણ મોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, 12 મા ધોરણની બોર્ડ પરીક્ષામાં માત્ર 35 થી 40 ટકા મેળવનારા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં 90 થી 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે, જે ગંભીર ગડબડ તરફ ઈશારો કરે છે.







