મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુ ટનલ રોડ પ્રોજેક્ટ પર લગાવી રોક: ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ પ્રોજેક્ટને ગણાવ્યો ગેરકાયદેસર

કર્ણાટક સરકારના મહત્વાકાંક્ષી ટનલ રોડ પ્રોજેક્ટને મોટો

તસવીર: gstv

કર્ણાટક સરકારના મહત્વાકાંક્ષી ટનલ રોડ પ્રોજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારના આ પ્રોજેક્ટને પડકારતી જાહેર હિતની અરજીઓ (PIL) પર સુનાવણી હાથ ધરીને વચગાળાનો મનાઈહુકમ આપ્યો છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કોર્ટના આ નિર્ણયને આવકારીને પ્રોજેક્ટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

હાઈકોર્ટે આપ્યા કડક નિર્દેશો
આ મામલે માહિતી આપતાં ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, "કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાનારા કોઈપણ સંભવિત કોન્ટ્રાક્ટર અથવા કન્સેશનાઈરને કોર્ટમાં ચાલી રહેલી આ કાનૂની કાર્યવાહી વિશે અગાઉથી જાણ કરે. આ સાથે જ કોર્ટે આ પ્રોજેક્ટના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના નવા હિતો (Equities) ઊભા ન કરવાનો આદેશ પણ આપ્યો છે."

લાલ બાગના વૃક્ષો સુરક્ષિત રહેશે
કોર્ટે પર્યાવરણના હિતમાં મોટો નિર્ણય લેતા બેંગલુરુના પ્રખ્યાત લાલ બાગ વિસ્તારમાં વૃક્ષો કાપવા પર અગાઉ લગાવવામાં આવેલી રોકને યથાવત રાખી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ટનલ રોડ પ્રોજેક્ટ અને તેની ટેન્ડર પ્રક્રિયાનો અંતિમ નિર્ણય જાહેર હિતની અરજીના પરિણામ પર જ નિર્ભર રહેશે. આ કેસની આગામી સુનાવણી 20 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે, જ્યાં આ મામલે આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

પર્યાવરણ મંજૂરી વિના જ મોટો ખેલ?

અદાલત દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહત બદલ આભાર વ્યક્ત કરતા તેજસ્વી સૂર્યાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "આ ટનલ રોડ પ્રોજેક્ટ સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કોઈ પણ પ્રકારનું એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવ્યું નથી." પર્યાવરણના નિયમોને નેવે મૂકીને કરોડોના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટ પર કોર્ટની લાલ આંખ બાદ હવે બેંગલુરુના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો