VIDEO: 'ઝુકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિએ, ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું' : કોક્રોચ જનતા પાર્ટી
દેશમાં NEET વિવાદ અને પરીક્ષા ગડબડને લઈને ચાલી રહેલા ભારે હોબાળા વચ્

દેશમાં NEET વિવાદ અને પરીક્ષા ગડબડને લઈને ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે એક મોટી ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીના જંતર-મંતર ખાતેથી આવી રહેલા તાજેતરના દ્રશ્યોમાં એક તરફ વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ સતત વધી રહેલા દબાણ વચ્ચે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. તેમના આ નિર્ણય પછી CJPના ફાઉન્ડર અભિજિત દીપકેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાજીનામાના સમાચાર મળતા જ અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર ખાતે ભેગા થઈને ઉજવણી કરી રહ્યા છે.
'ઝુકે છે દુનિયા બસ ઝુકાવનાર જોઈએ'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલતા અભિજિત દીપકે જણાવ્યું હતું કે, ‘ઝુકે છે દુનિયા બસ ઝુકાવનાર જોઈએ. લોકો એવું કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા, પરંતુ આખરે રાજીનામું આપવું પડ્યું છે. સતત 36 દિવસ સુધી દરરોજ તેમને સવાલ પૂછવામાં આવતો હતો કે રાજીનામું નહીં આપે? પરંતુ આખરે સરકારને ઝુકવું પડ્યું. લોકો કહેતા હતા કે ક્રાંતિ નહીં થાય, પરંતુ આજે ક્રાંતિ થઈ ગઈ છે.’
અમેરિકાથી નીકળતી વખતે લોકો સવાલ કરતા હતા: દીપકે
જંતર-મંતર પરથી પોતાના સમર્થકો સાથે ઉજવણી કરતા અભિજિત દીપકે જણાવ્યું કે, ‘જ્યારે હું અમેરિકાથી નીકળ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે શું થશે? પરંતુ આજે સ્થિતિ એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે.’ હાલ જંતર-મંતર પર દીપકે અને તેમના સાથીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં આપ્યું રાજીનામું: ધર્મેન્દ્ર પ્રધાન
બીજી તરફ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે અને તેની સાથે એક પત્ર પણ શેર કર્યો છે. તેમણે પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે, દેશવિરોધી તત્વો જંતર-મંતર અને સમગ્ર દેશમાં પરિસ્થિતિનો ગેરલાભ ન ઉઠાવી શકે, દેશ એકજૂટ રહે અને ભારતના વિદ્યાર્થીઓ કોઈ કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા વગર પોતાના અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપી શકે, તે હેતુથી તેમણે વડાપ્રધાનને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
જંતર-મંતર પર ગરમાયેલું રાજકારણ અને પ્રદર્શનના દ્રશ્યો
દિલ્હીના જંતર-મંતર પરથી પ્રાપ્ત થયેલા દ્રશ્યો દર્શાવે છે કે કેવી રીતે પ્રદર્શનકારીઓ અને આંદોલનકારી વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરીને સતત શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બની ગયું હતું કે સરકાર માટે આ મુદ્દે નિર્ણય લેવો અનિવાર્ય બની ગયો હતો.
જ્યારે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચરમસીમા પર હતું, ત્યારે જ ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોતાનો પત્ર જાહેર કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપ્રત કરતાં સ્પષ્ટ કર્યું કે તેઓ દેશના યુવાનોનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં અટવાય તેવું નથી ઈચ્છતા, માટે જ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે.
જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા યુવાનો અને નેતાઓ માટે આ ક્ષણ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ નિર્ણય બાદ ભારે ખળભળાટ મચી ગયો છે.








