મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: જૂનાગઢના ચુલડીમાં ભૂંડનો ભારે ઉપદ્રવ મગફળીના પાક પર ફેરવી દીધું પાણી!

જૂનાગઢના ચુલડીમાં ભૂંડનો ભારે ઉપદ્રવ મગફળીના પાક પર ફેરવી દીધું પાણી! માળીયા હા

તસવીર: gstv

જૂનાગઢના ચુલડીમાં ભૂંડનો ભારે ઉપદ્રવ

મગફળીના પાક પર ફેરવી દીધું પાણી!

માળીયા હાટીનામાં ખેડૂતો પર આર્થિક સંકટ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા ચુલડી ગામે વન્યજીવોના ત્રાસના કારણે ખેડૂતોનું જીવવું દુષ્કર બની ગયું છે. ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસીને મગફળી સહિતના તૈયાર પાકને રંદોળી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મોંઘાદાટ ખાતર અને બિયારણના ખર્ચે ઉછેરેલો પાક આંખની સામે જ નાશ પામતાં સ્થાનિક જગતના તાતમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.સ્થાનિક ખેડૂતો મહેશભાઈ ચોસા અને ગોવિંદભાઈ સોચાના જણાવ્યા મુજબ, માત્ર ચુલડી ગામની સીમમાં જ અંદાજે ૨૦૦ થી ૨૫૦ જેટલા ભૂંડ મુક્તપણે ફરી રહ્યા છે. ચોમાસુ પાક તૈયાર થવાના આરે છે ત્યારે ૪ થી ૫ વીઘાથી વધુ વિસ્તારમાં ભૂંડના ટોળાંએ પાકનો સફાયો બોલાવી દીધો છે. એક વીઘા દીઠ ૩૫ થી ૪૦ હજાર રૂપિયા જેટલો આકરો ખર્ચ કરનાર ખેડૂતો માટે આ નુકસાની સહન કરવી અશક્ય બની ગઈ છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

૨૫૦ જેટલા ભૂંડના ટોળાંથી પાક જમીનદોસ્ત!

વીઘે ૪૦ હજારનો ખર્ચ માટીમાં મળ્યો

વળતર અને કાયમી ઉકેલ માટે ખેડૂતોનો હૂંકાર!

ચુલડી ગામના સરપંચ પ્રતિનિધિ દેવાયતભાઇ નંદાણીયા અને ઉપસરપંચ હિતેશભાઇ નંદાણીયાએ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ વન વિભાગ અને પંચાયત તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ઉલટાનું ભૂંડ પકડવાની કોશિશ કરનારા ખેડૂતો સામે ભૂતકાળમાં દંડકીય કાર્યવાહી કરવામાં આવી હોવાનો ખેડૂતોએ ગંભીર દાવો કર્યો છે. આ નીતિના કારણે ખેડૂતો બંને બાજુથી પીસાઈ રહ્યા છે. ચુલડી ગામના ખેડૂતોએ હવે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવી લીધો છે. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે તંત્ર દ્વારા ભૂંડના ત્રાસનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને નુકસાન પામેલા ખેતરોનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ માગણીઓ પ્રત્યે ગંભીરતા દાખવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તીખી ચેતવણી ખેડૂતોએ ઉચ્ચારી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો