મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ વાયનાડ ટનલ દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત, રાહત બચાવ કામગીરી યથાવત

કેરળના વાયનાડમાં મેપ્પડી નજીક કલ્લાડી ખાતે નિર્માણાધીન કલ્લાડી મે

તસવીર: gstv

કેરળના વાયનાડમાં મેપ્પડી નજીક કલ્લાડી ખાતે નિર્માણાધીન કલ્લાડી મેપ્પડી ટ્વીન ટનલ રોડ પ્રોજેક્ટની સાઇટ પર એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અતિભારે વરસાદ વચ્ચે ટનલના ખોદકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી માટી અને પથ્થરોનો એક વિશાળ ઢગલો અચાનક ધસી પડ્યો હતો. ત્રણ દિવસ બાદ પણ હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની લપેટમાં ત્યાં કામ કરી રહેલા અનેક પરપ્રાંતીય મજૂરો અને વાહનો આવી ગયા હતા. કાદવ અને કાટમાળના આ પ્રચંડ પ્રવાહના કારણે અત્યાર સુધીમાં ચાર નિર્દોષ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ, એસડીઆરએફ  અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે હજુ પણ અંદાજે પાંચ મજૂરો ફસાયા હોવાની આશંકા વચ્ચે હેવી જેસીબી મશીનો અને કટરની મદદથી રાત દિવસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી ગુમ થયેલા લોકોને વહેલી તકે બહાર કાઢી શકાય.

બીજી તરફ, આ ભયાનક હોનારત બાદ કેરળ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓએ આ ઘટનાને કુદરતી આફત નહીં પરંતુ સ્પષ્ટપણે માનવસર્જિત આપત્તિ ગણાવી છે. પ્રશાસન દ્વારા બહાર લાવવામાં આવેલી વિગતો મુજબ, કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ટનલમાંથી નીકળેલી માટીને વૈજ્ઞાનિક પદ્ધતિ વગર અત્યંત જોખમી રીતે પહાડના ઢોળાવ પર જ જમા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા જૂન મહિનામાં જ આ કાદવ અને માટીને ત્યાંથી હટાવવા માટે કડક નોટિસ આપવામાં આવી હોવા છતાં કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હતી. જે આખરે ચાર મજૂરો માટે કાળ સાબિત થઈ. આ ઘોર લાપરવાહીને પગલે સરકારે ટ્વીન ટનલ પ્રોજેક્ટનું તમામ બાંધકામ તાત્કાલિક અસરથી રોકી દીધું છે અને જવાબદાર એજન્સી સામે કાયદાકીય તપાસના આદેશ આપ્યા છે. હાલમાં મુખ્ય ધ્યાન રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવા અને અસરગ્રસ્ત મજૂરોના પરિવારોને ન્યાય તેમજ યોગ્ય વળતર અપાવવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો