મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: ચોમાસામાં બેસન-મેંદો નહીં બગડે! જીવાત અને ભેજ દૂર રાખવા અપનાવો આ સરળ દેશી ઉપાય

વરસાદની ઋતુ દરેકને ગમે છે અને આ હવામાનમાં બાલ્કનીમાં બેસીને ચાય-પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હ

તસવીર: gstv

વરસાદની ઋતુ દરેકને ગમે છે અને આ હવામાનમાં બાલ્કનીમાં બેસીને ચાય-પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ આ ઋતુમાં કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેના પર જો ધ્યાન આપવામાં ન આવે તો તે બગડી શકે છે. રસોડાની ઘણી વસ્તુઓ એવી હોય છે, જેને સુરક્ષિત રાખવા માટે ગૃહિણીઓ પહેલેથી જ તૈયારીઓ કરી લેતી હોય છે. ચોમાસામાં ખાસ કરીને દાળ-ચોખા, લોટ, બેસન અને મેંદામાં ધૂણ કે જીવાત પડી જવાનો ડર રહે છે. તેવામાં તેને સાચવવાની તૈયારી પહેલેથી જ કરી લેવી જરૂરી છે. બેસન અને મેંદામાં જીવાત ખૂબ જલ્દી પડે છે કારણ કે આ બંને લોટ ભેજને ઝડપથી સોષી લે છે. તેને બચાવવા માટે તમે ડબ્બામાં કેટલીક વસ્તુઓ ઉમેરીને રાખી શકો છો, જેનાથી જીવાત આસપાસ પણ નહીં ભટકે.

બેસન-મેંદાના ડબ્બામાં શું ઉમેરીને રાખવું?

કેટલીક એવી વસ્તુઓ છે જેને જો તમે મેંદા કે બેસનના ડબ્બામાં મૂકી દેશો, તો તેની કડવાશ કે તીવ્ર ગંધના કારણે જીવાત દૂર રહેશે અને તમારો લોટ લાંબા સમય સુધી સુરક્ષિત અને વાપરવા યોગ્ય રહેશે. અહીં જાણો આ વસ્તુઓ વિશે:

1. લીમડાના પાન

બેસન અને મેંદાના ડબ્બામાં લીમડાના કેટલાક તાજા કે સુકાયેલા પાન મૂકવા એ એક સરળ અને અસરોકારક ઘરેલુ ઉપાય છે. લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો હોય છે, જે ખોરાકને લાંબા સમય સુધી સારો રાખવામાં મદદ કરે છે. તેની તીવ્ર ગંધ જીવાત અને નાના કીડાઓને ડબ્બાની નજીક આવતા રોકે છે. સાથે જ, લીમડાના પાન ભેજની અસરને ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે.

2. તમાલપત્ર (તેજ પત્તાં)

તમાલપત્રની મદદથી પણ તમે જીવાતને દૂર રાખી શકો છો. મેંદા કે બેસનના ડબ્બામાં 2-3 તમાલપત્ર મૂકી દો અને પછી ડબ્બાને સરસ રીતે એર-ટાઇટ બંધ કરી દો. આમ કરવાથી તમાલપત્ર ડબ્બાની અંદરનો ભેજ સોષી લેશે અને લોટને બગડતો અટકાવશે.

3. સૂકા લાલ મરચાં અને લવિંગ

આખા સૂકા લાલ મરચાં અને લવિંગથી પણ તમે બેસન અને મેંદામાંથી જીવાત દૂર ભગાડી શકો છો. આ બંનેની તીખી ગંધ જીવાતને બિલકુલ પસંદ નથી હોતી અને તે ભેજ પણ સોષી લે છે. તમે 3-4 લવિંગ અને 4-5 સૂકા લાલ મરચાં લઈને બેસન કે મેંદાની વચ્ચે મૂકી દો. (નોંધ: કોઈપણ વાનગી બનાવતા પહેલા તેને બહાર કાઢી લેવા).

મેંદો અને બેસન કેવી રીતે સ્ટોર કરવા?

મેંદો અને બેસન સ્ટોર કરતી વખતે તમારે મુખ્યત્વે ૨ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

1. લોટને પહેલા પ્લાસ્ટિકની થેલી/ઝિપલોક બેગમાં ભરો.
2. ત્યારબાદ તેને કોઈ એર-ટાઇટ (Airtight) કન્ટેનર કે ડબ્બામાં મૂકો.

આમ કરવાથી ડબ્બા દ્વારા સીધો ભેજ લોટ સુધી નહીં પહોંચે અને તે લાંબા સમય સુધી જીવાતથી મુક્ત અને સુરક્ષિત રહેશે.

આ સમાચાર શેર કરો