મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: EVENING BULLETIN / CJPના પ્રદર્શન વચ્ચે શિક્ષણમંત્રી અમિત શાહને મળ્યા, 'ભાજપમાંથી ફરી ચૂંટણી નહીં લડું' - કિરણ બેદી, ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓના રિમાન્ડ મંજૂર

CJPના પ્રદર્શન વચ્ચે શિક્ષણમંત્રી અમિત શાહને મળ્યા NEET પેપર લીક મુદ્દે કૉકરોચ જનતા પાર્ટીના ઉગ્ર પ્રદર્શન અને પોલીસ સાથેના ઘર્ષણ વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. સંસદ ઘેરાવના આ હોબાળા વચ્ચે જ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહને મળવા દોડી ગયા છે. ઈરાનના હુમલામાં વધુ 3 અમેરિકન સૈનિકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચ્યો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં અમેરિકી સૈનિકોના મોત થયા છે. જેનાથી ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ

 CJPના પ્રદર્શન વચ્ચે શિક્ષણમંત્રી અમિત શાહને મળ્યા

NEET પેપર લીક મુદ્દે કૉકરોચ જનતા પાર્ટીના ઉગ્ર પ્રદર્શન અને પોલીસ સાથેના ઘર્ષણ વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. સંસદ ઘેરાવના આ હોબાળા વચ્ચે જ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહને મળવા દોડી ગયા છે.

ઈરાનના હુમલામાં વધુ 3 અમેરિકન સૈનિકોના મોત

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચ્યો છે. ઉત્તરી ઈરાકમાં ઈરાની ડ્રોનના બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં અમેરિકી સૈનિકોના મોત થયા છે. જેનાથી ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે.

 હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજોમાં બ્લાસ્ટ

વૈશ્વિક ઓઇલ સપ્લાયની લાઇફલાઇન ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માઇન ટકરાતા બે ઓઇલ ટેન્કરોમાં જોરદાર બ્લાસ્ટ થયા છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના સૈન્ય અભિયાનો ચાલુ રહેશે, ત્યાં સુધી આ રૂટ પરથી પસાર થતું એકપણ જહાજ સુરક્ષિત રહેશે નહીં.

'ભાજપમાંથી ફરી ચૂંટણી નહીં લડું' - કિરણ બેદી

ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીએ રાજકારણમાં વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. કાનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હું ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ભૂલ હવે જિંદગીમાં ફરી ક્યારેય નહીં કરું.

ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓના રિમાન્ડ મંજૂર

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં કોર્ટે બંને આરોપીઓના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરી કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદે ચલાવવામાં આવતી હતી. સરકારી વકીલે કોર્ટમાં પુષ્ટિ કરી છે કે આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 10 શ્રમિકોના મોત થયા છે.

ગિરનાર દૂધધારા પરિક્રમાને લઈને વિવાદ

જૂનાગઢના ગિરનાર ખાતે યોજાનારી દૂધધારા પરિક્રમાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગિરનારની સીડીઓ પર દૂધ લઈને જઈ રહેલા સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને પોલીસે પરવાનગી ન હોવાનું કહી અટકાવ્યા હતા. જેના પગલે પોલીસ અને સનાતનીઓ વચ્ચે છેલ્લા ત્રણ કલાકથી ભારે બોલાચાલી અને ઘર્ષણ ચાલી રહ્યું છે.

ઉમરગામમાં કામદારોના સમર્થનમાં રેલી

વલસાડના ઉમરગામમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કામદારોના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ હતી. કરમબેલે ગામની શેલો કંપનીનું નામ બદલીને કામદારો પર ઓછો પગાર સ્વીકારવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે નીકળેલી આ રેલીએ મામલતદારને આવેદન આપી આંદોલનની ચીમકી આપી છે.

ખાંભામાં સૂતેલા વૃદ્ધનું સિંહે ગોદડું ખેંચ્યું!

અમરેલીના ખાંભાના રબારિકા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શિકારની શોધમાં એક સિંહ સીધો ઘરના ફળિયામાં સૂતેલા રવજીભાઈ નામના વૃદ્ધ પાસે પહોંચી ગયો હતો. સિંહે મોઢાથી વૃદ્ધનું ગોદડું ખેંચતા જ તેઓ જાગી ગયા હતા અને તેમણે હિંમતભેર હાકલા-પડકારા કરતા સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ સમાચાર શેર કરો