મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચમોલી ટનલ અકસ્માત: 22 શ્રમિકો ફસાયા, 7ના મોત અને 14 ઘાયલ; બચાવ કામગીરી તેજ

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટ

તસવીર: gstv

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી સ્થિત THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભારે માત્રામાં કાટમાળ અને પાણી ધસી આવતા લગભગ 22 મજૂરો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 20 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાકી ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર લાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે.

અકસ્માત સમયે ટનલમાં 22 મજૂરો હાજર હતા

THDCના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યા અનુસાર, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ટનલની અંદર કુલ 22 લોકો કામ કરી રહ્યા હતા. અત્યાર સુધી બહાર કાઢવામાં આવેલા 14 ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, મૃતકોમાં એક વ્યક્તિ ઉત્તરાખંડના તેહરી અને એક ચમોલીનો છે, જ્યારે બાકીના મૃતકો બિહાર અને ઝારખંડના નિવાસી છે. ઘાયલોમાં મોટાભાગના મજૂરો ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના છે, જ્યારે એક વ્યક્તિ પંજાબ અને એક હિમાચલ પ્રદેશનો છે.

SDRF અને NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન

ચમોલીના પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પવારે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના સાંજે લગભગ 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. પીપલકોટીમાં બની રહેલી હાઇડ્રો પ્રોજેક્ટની ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી 1.50થી 1.8 કિલોમીટર અંદર એક કેવિટીમાંથી અચાનક ભારે માત્રામાં કાદવ, કાટમાળ અને પાણી આવી ગયું હતું. ઘટનાસ્થળે SDRF અને NDRFની ટીમ પૂરી તાકાતથી બચાવ કાર્યમાં જોડાયેલી છે. મશીનો વડે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને ટનલમાંથી પાણી બહાર કાઢવા માટે 3 મોટા પંપ લગાવવામાં આવ્યા છે. જોકે, ટનલમાં કાદવ અને પાણી વધવાને કારણે હાલ પૂરતું રેસ્ક્યૂ ઓપરેશન કામચલાઉ અટકાવવું પડ્યું છે અને 1 વ્યક્તિ હજુ પણ લાપતા છે.

ઘાયલોની સ્થિતિ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સમીક્ષા

બહાર કાઢવામાં આવેલા 14 ઘાયલ મજૂરોમાંથી 3થી 4 મજૂરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યે ઉચ્ચ સ્તરીય તબીબી સુવિધા આપવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા દરેક ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવાની છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરી પર નજર રાખી રહ્યા છે.

ચમોલીમાં ભારે વરસાદ

ચમોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અને અચાનક ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે બપોરે પડેલા મુસળધાર વરસાદને કારણે તમક નાલામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલો લોખંડનો નવો પુલ સંપૂર્ણપણે તણાઈ ગયો હતો. પહાડી વિસ્તાર હોવાને કારણે અહીંની નાની નદીઓ અને નાળાઓ અચાનક ઉફાન પર આવી જાય છે, જેનાથી સ્થાનિક લોકો અને સફરજનના ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

આ સમાચાર શેર કરો