મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ગેરકાયદે કફ સીરપનું અત્યાર સુધીનું સૌથી મોટું રેકેટ ખુલ્લું પડ્યું: 5,050 બોટલો સાથે ડ્રગ્સ નેટવર્ક પર SOGનો દરોડો

અમદાવાદ શહેર SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે શહેરમ

તસવીર: gstv

અમદાવાદ શહેર SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે શહેરમાં ચાલતા ગેરકાયદે અને નશાકારક કફ સીરપના વેચાણ તેમજ ટ્રાન્સપોર્ટેશનના અત્યાર સુધીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રિલીફ રોડ પર આવેલા જનરલ પોસ્ટ ઑફિસ(GPO) વિસ્તારમાંથી SOGએ બાતમીના આધારે દરોડો પાડીને રૂ.60 લાખથી વધુની કિંમત ધરાવતી 5,050 બોટલ કફ સીરપનો જથ્થો જપ્ત કર્યો છે.

પોસ્ટલ નેટવર્ક મારફતે નોર્થ-ઈસ્ટ મોકલવાનું કૌભાંડ

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, કફ સીરપનો આ મસમોટો જથ્થો ભારતીય ટપાલ સેવા(પોસ્ટલ સર્વિસ) મારફતે દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો જેવાં કે મિઝોરમ, ત્રિપુરા અને આસામ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. SOGની ટીમને બાતમી મળી હતી કે રિલીફ રોડ જીપીઓ ખાતેથી કફ સીરપના મોટા પાર્સલો રવાના કરવામાં આવી રહ્યા છે, જેના આધારે દરોડો પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું હતું. અમદાવાઅદ શહેરમાંથી ગેરકાયદે કફ સીરપનો આટલો મોટો જથ્થો પકડાયો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

NDPS ઍક્ટ હેઠળ ગુનો દાખલ

તબીબી ક્ષેત્રે વપરાતી અમુક ચોક્કસ કેમિકલ યુક્ત કફ સીરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી તેનો ગેરકાયદે પુરવઠો રાખવો અને વેચવો ગંભીર ગુનો બને છે. આ મામલે SOGએ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસના મુખ્ય મુદ્દાઓ

સપ્લાય ચેઈન: આટલી મોટી સંખ્યામાં (5,050 બોટલો) કફ સીરપ કોની પાસેથી અને કઈ ફાર્માસ્યુટિકલ કંપની કે ડીલર પાસેથી ખરીદવામાં આવી હતી?
રૅકોર્ડની ચકાસણી: પોસ્ટ ઑફિસના જૂના રૅકોર્ડ તપાસીને અગાઉ આ પ્રકારે કેટલાં પાર્સલ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે તેની વિગતો એકત્ર કરાશે.
બોગસ નામોનો ઉપયોગ: ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પકડાઈ જવાથી બચવા માટે પાર્સલ પર બોગસ સરનામા કે ખોટા નામો દર્શાવવામાં આવ્યા હતા કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.

SOGના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ રેકેટમાં સામેલ મુખ્ય સુત્રધારો, સપ્લાયરો અને નોર્થ-ઈસ્ટમાં આ જથ્થો મંગાવનારા ખરીદદારોની ધરપકડ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો