VIDEO / રિષભ પંત હવે માન્ચેસ્ટર ટેસ્ટમાં ભાગ લેશે કે નહીં? BCCI એ ઈજા અંગે આપ્યું અપડેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરી રહી છે, જેમાં પહેલા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને પહેલા દિવસના છેલ્લા સેશનમાં મોટો ઝટકો લાગ્યો જ્યારે રિષભ પંતને બેટિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ અને પછી તેને મેદાન છોડીને જવું પડ્યું. પંતને થયેલી ઈજાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે બિલકુલ ચાલી નહતો શકતો. હવે પહેલા દિવસની રમતના અંત પછી, BCCI દ્વારા રિષભ પંતની ઈજા અંગે અપડેટ આપવામાં આવ્યું છે. મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે.
માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે, જ્યારે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગની 68મી ઓવર ચાલી રહી હતી, ત્યારે રિષભ પંતે ક્રિસ વોક્સના ફુલ લેન્થ બોલ પર રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ પંતના શૂઝ પર વાગ્યો, જેના પછી પંત ખૂબ જ પીડામાં જોવા મળ્યો. આ પછી, ફિઝિયોએ મેદાન પર તેનો દુખાવો ઓછો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઈજા ખૂબ ગંભીર હતી, જ્યારે તેણે શૂઝ ઉતાર્યા ત્યારે તેના પગમાંથી લોહી પણ વહી રહ્યું હતું. BCCI દ્વારા રિષભ પંત અંગે આપવામાં આવેલા અપડેટમાં, જણાવ્યું હતું કે પંતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે તેને જમણા પગમાં ઈજા થઈ હતી. તેને સ્કેન માટે સ્ટેડિયમમાંથી લઈ જવામાં આવ્યો હતો. તે હાલમાં BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
પંત માટે વાપસી કરવી મુશ્કેલ બનશે
જ્યારે રિષભ પંતના પગમાં ઈજા થઈ ત્યારે તેના પગ પર સોજો દેખાઈ રહ્યો હતો, જેના કારણે તે યોગ્ય રીતે ઊભો નહતો રહી શકતો, તેથી આ મેચમાં તેના માટે બેટિંગ કે વિકેટકીપિંગ કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. જોકે, રમતના બીજા દિવસે પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકે છે. જ્યારે પંત રિટાયર હર્ટ થયા પછી પવેલિયન પાછો ફર્યો, ત્યારે તેણે 48 બોલમાં 37 રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા, રિષભ પંતને લોર્ડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે વિકેટકીપિંગ કરતી વખતે હાથ પર ઈજા થઈ હતી, જેના કારણે તે આખી મેચમાં ફક્ત બેટિંગ કરવા માટે જ મેદાન પર આવ્યો હતો.




