મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "જેને પોલીસની લાઠી કે જેલનો ડર ન હોય તે જ સાથે આવે", પીએમ મોદીને પિટિશન સોંપવા અરવિંદ કેજરીવાલની મોરચાબંધી

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્

તસવીર: gstv

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રમક વલણ અપનાવતા મોટું એલાન કર્યું છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ વડાપ્રધાનને સંબોધીને લખાયેલી પિટિશન પર મળેલા ૨ લાખથી વધુ લોકોના હસ્તાક્ષરો સાથે આગામી મંગળવારે પીએમ આવાસ તરફ કૂચ કરશે અને વ્યક્તિગત રીતે આ પિટિશન વડાપ્રધાનને સોંપશે.

2 લાખથી વધુ લોકોએ ઓનલાઈન હસ્તાક્ષર કર્યા

અરવિંદ કેજરીવાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અગાઉ મેં તમને વડાપ્રધાનને સંબોધિત એક પિટિશન પર હસ્તાક્ષર કરવા માટે વિનંતી કરી હતી. ૨,૦૦,૦૦૦ થી પણ વધુ લોકોએ આ પિટિશન પર ઓનલાઈન સહીઓ કરી છે. મેં તે તમામ સહીઓની પ્રિન્ટઆઉટ કાઢી લીધી છે."

100 લોકો સાથે પીએમ નિવાસસ્થાને જવાની જાહેરાત

પોતાના આગળના પ્લાન અંગે સ્પષ્ટતા કરતાં આપ સંયોજકે જણાવ્યું હતું કે, "આગામી મંગળવારે, 4થી તારીખે બપોરે 12.00 વાગ્યે, હું વ્યક્તિગત રીતે વડાપ્રધાનના નિવાસસ્થાને આ પિટિશન સોંપવા જઈશ. દરેક જણે સાથે આવવાની જરૂર નથી. હું મારી સાથે એવા 100 લોકોને લઈ જઈશ કે જેઓ પોલીસની લાઠીઓથી ડરતા ન હોય, હું મારી સાથે એવા 100 લોકોને લઈ જઈશ કે જેમને જેલમાં જવાનો કોઈ ભય ન હોય."

સાથે જોડાવા માંગતા સમર્થકો માટે અપીલ

કેજરીવાલે જેલ અને પોલીસ કાર્યવાહીથી ન ડરતા હોય તેવા સમર્થકોને પોતાની સાથે જોડાવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, "જે લોકો આ માર્ચમાં જોડાવા માગતા હોય તેઓ મને લખે, સોશિયલ મીડિયા પર મને ટેગ કરે અને મેસેજ મોકલે. અમે અમારી સાથે માત્ર 100 લોકોને લઈને વડાપ્રધાન નિવાસસ્થાન તરફ આગળ વધીશું અને પછી જોઈએ કે શું થાય છે."

અરવિંદ કેજરીવાલના આ ડાયરેક્ટ ચેલેન્જ જેવા નિવેદનને કારણે દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને મંગળવારે થનારી આ માર્ચને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો