VIDEO: વડોદરાની મહાકાળી સેવઉસળની લીલી ડુંગળીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ થતાં ખળભળાટ
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી મહાકાળી સેવઉસળ દુકાન

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી મહાકાળી સેવઉસળ દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેવઉસળની લીલી ડુંગળીમાંથી વંદો અને જીવાત મળી આવ્યાની ઘટના સામે આવી છે. ગ્રાહક સેવઉસળ આરોગી રહ્યો હતો તે દરમિયાન લીલી ડુંગળીમાં અચાનક વંદો નજરે પડતાં સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
ગ્રાહકના જણાવ્યા મુજબ, સેવઉસળ સાથે પીરસવામાં આવેલી લીલી ડુંગળીમાં વંદો જોવા મળતાં તેણે તાત્કાલિક દુકાન સંચાલકને આ અંગે રજૂઆત કરી હતી. જોકે, સંચાલકે યોગ્ય જવાબ આપ્યો નહીં અને ઉડાઉ જવાબ આપ્યો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.
ઘટનાથી નારાજ ગ્રાહકે સમગ્ર બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોના પાલન સામે ફરી સવાલો ઊભા થયા છે.
સેવઉસળ જેવી લોકપ્રિય ખાણીપીણીની વાનગીમાં વંદો મળી આવ્યાની ફરિયાદ બાદ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






