ચીનમાં માણસોની જેમ વાતો કરતું Xiao રોબોટ લૉન્ચ, SCO સમિટમાં કરશે મદદ

ચીનમાં આયોજિત SCO શિખર સમ્મેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. SCO શિખર સમ્મેલનમાં રોબોટિક્સનો જાદુ પણ જોવા મળશે. ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલનનું આયોજન થઇ રહ્યું છે. આ સમ્મેલનમાં 20થી વધુ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેશે. આ સમ્મેલન 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ઇનોવેશન અને ટેકનોલોજીનો સંગમ જોવા મળશે
Xiao એક હ્યુમનૉઇડ રોબોટ છે, જે ત્રણ ભાષા જાણે છે. તેને પત્રકારોની મદદ માટે બનાવવામાં આવ્યો છે. સમિટ દરમિયાન આ રોબોટ પ્રશ્નોના જવાબ આપશે. તેમજ આ રોબોટ બધા પ્રોટોકોલ્સનું પાલન કરશે. રોબોટમાં અદ્યતન સિસ્ટમનો અલ્ગોરિધમ છે. તેમાં એક ડેટાબેઝ પણ છે, જે જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. રોબોટને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ અને આયોજકો વચ્ચે વાતચીત કરવા માટે પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
Xiaoના જણાવ્યા મુજબ, SCO શિખર સંમેલનમાં મીડિયા માટે વ્યવસ્થાની સાથે તિયાનજિનની સાંસ્કૃતિક વારસો દર્શાવતી પ્રવૃત્તિઓ જેવી કે વુડબ્લોક પ્રિન્ટ્સ અને પરંપરાગત હસ્તકલાઓ પણ પ્રદર્શિત કરાશે. ઉલ્લેખનીય છે કે, SCO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 2001માં યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે કરવામાં આવી હતી.
SCO સંમેલનને SCO શિખર સંમેલન પણ કહેવાય છે. આ સંગઠનના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકાર પ્રમુખોની વાર્ષિક બેઠક હોય છે. આ સંમેલનમાં સભ્ય દેશો મળીને મહત્ત્વપૂર્ણ ભૌગોલિક-રાજકીય, આર્થિક અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

