પુત્રને મળવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી મહિલા, કાર અકસ્માતમાં પુત્રવધૂ સાથે થયું મૃત્યુ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની બે મહિલાઓનું ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ગુરુવારે થયેલા અકસ્માતમાં 67 વર્ષીય રામા દેવી અને તેમની 33 વર્ષીય પુત્રવધૂ નેહા બોમ્માલીનાં મોત થયા હતા. બંને મહિલાઓ જે ટોયોટા કારમાં મુસાફરી કરી રહી હતી તેની પોર્શ કાર સાથે ટક્કર થઈ હતી.
પરિવારને મળવા ઓસ્ટ્રેલિયા ગયાં હતાં રામા દેવી
રામા દેવી પોતાના પતિ જી.ટી. પ્રસાદ સાથે ઓસ્ટ્રેલિયા ગયાં હતાં. જી.ટી. પ્રસાદ વિશાખાપટ્ટનમ જિલ્લા ક્રિકેટ એસોસિએશન (VDCA)ના પૂર્વ સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે. રામા દેવી પરિવાર સાથે સમય પસાર કરવા, પૌત્ર-પૌત્રીઓને મળવા અને એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયા ગયાં હતાં.
રામા દેવી અને નેહા તેમના પરિવારના સભ્ય જી.ટી. પ્રસાદ સાથે ટોયોટા કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં. મેલબોર્નના પોઈન્ટ કૂક વિસ્તારમાં આવેલા પાલમર્સ રોડ પર તેમની કારની પોર્શ સાથે ટક્કર થઈ હતી.
ઘટનાસ્થળે જ બંને મહિલાઓનાં મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે રામા દેવી અને નેહાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જી.ટી. પ્રસાદ અકસ્માતમાં બચી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ અકસ્માતનો અવાજ સાંભળ્યા બાદ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે જોરદાર ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. બહાર આવીને જોયું તો પોર્શ કાર ટોયોટા કોરોલા સાથે અથડાયેલી હતી.
પોર્શનો ડ્રાઈવર હોસ્પિટલમાં દાખલ
અહેવાલો અનુસાર, પોર્શ કાર ચલાવનાર 53 વર્ષીય વ્યક્તિ પોઈન્ટ કૂકનો રહેવાસી છે. અકસ્માતમાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વિક્ટોરિયા પોલીસે અકસ્માત અંગે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઈવર તપાસમાં સહયોગ આપી રહ્યો છે.
પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
અકસાનના સમાચારથી વિશાખાપટ્ટનમમાં રામા દેવી અને નેહાના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. મેલબોર્નમાં રહેતા તેલુગુ સમુદાયના સંગઠનો પરિવારને મૃતદેહોને ભારત પરત લાવવાની પ્રક્રિયામાં મદદ કરી રહ્યાં છે.
નેહાના પતિ વરુણ ચંદ્ર ગુન્નાએ મૃતદેહોને ભારત પરત લાવવા માટે GoFundMe અભિયાન શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 16 સપ્ટેમ્બરના રોજ એક જ ક્ષણમાં તેમનું સમગ્ર જીવન બદલાઈ ગયું.
બે નાના બાળકો માતા વગર થયા
વરુણે જણાવ્યું કે નેહા તેમના ઘરની ખુશી અને ઉર્જા હતી. તે નૃત્યની શોખીન હતી અને પરિવાર સાથે ખૂબ જ સક્રિય જીવન જીવતી હતી. નેહાએ થોડા સમય પહેલાં જ તેમની એક વર્ષની પુત્રી વિવાનવીનો જન્મદિવસ સમુદાય સાથે ઉજવ્યો હતો.
નેહા અને વરુણને 3.5 વર્ષનો હારવ અને એક વર્ષની વિવાનવી એમ બે બાળકો છે. હવે વરુણને બંને બાળકોની જવાબદારી એકલા પિતા તરીકે સંભાળવાની સાથે પોતાના 75 વર્ષીય પિતાની પણ કાળજી લેવી પડશે.
મૃતદેહ ભારત લાવવા માટે મદદની અપીલ
વરુણે જણાવ્યું કે બંને મહિલાઓના મૃતદેહ ભારત લાવવા માટે મોટી રકમની જરૂર છે. આ ઉપરાંત દૂતાવાસ સંબંધિત દસ્તાવેજો, આંતરરાષ્ટ્રીય મુસાફરી, અંતિમ સંસ્કાર અને બાળકોની સંભાળ સહિતના ખર્ચ પણ છે.
પરિવારે હિંદુ પરંપરા મુજબ અંતિમ વિધિ પોતાના વતનમાં પરિવારજનોની હાજરીમાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો વિશાખાપટ્ટનમ પહોંચાડવામાં આવશે. અહેવાલ મુજબ આ પ્રક્રિયામાં આશરે 10 દિવસનો સમય લાગી શકે છે.

