VIDEO: iPhone ના EMI ના ચક્કરમાં આખો પરિવાર ખતમ! પુત્રને બચાવવા જતાં પિતા પડ્યા, આંખો સામે મોત જોઈ માતાએ પણ લગાવી છલાંગ
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં iPhone ના હપ્તા (EMI) ભરવા મુદ્દે થયેલા પારિવારિક વિવાદે અત્યંત દર્દનાક વળાંક લીધો છે. 18 વર્ષીય યુવક ખાવડ્યા ડુંગરની ઊંચી ટેકરી પરથી પડી જતાં, તેને બચાવવાના પ્રયાસમાં તેના પિતા અને ત્યારબાદ આઘાતમાં માતાએ પણ કૂદી પડતાં ત્રણેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
યુવકે EMI પર નવો iPhone ખરીદ્યો હતો. તેના હપ્તા ચૂકવવા અસમર્થ રહેતાં તેણે માતા-પિતા પાસે પૈસા માંગ્યા હતા. આર્થિક તંગીના કારણે પરિવારે અસમર્થતા દર્શાવતાં ઘરમાં મોટો વિવાદ ઊભો થયો હતો. ગુસ્સામાં આવીને યુવક સવારે 10 વાગ્યાની આસપાસ ખાવડ્યા ડુંગરની ટોચ પર પહોંચી ગયો હતો અને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો. સ્થાનિક ગ્રામજનો, સરપંચ, પોલીસ અને ફાયર બ્રિગેડે લગભગ 3 કલાક સુધી તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા.
પિતા-પુત્ર સાથે ખીણમાં ખાબક્યા
એક અહેવાલ મુજબ, બપોરે 1 વાગ્યાની આસપાસ પિતા પુત્રને પકડીને સુરક્ષિત પાછળ ખેંચવા નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન ઝપાઝપી અથવા સંતુલન બગડતાં બંને ઊંડી ખીણમાં નીચે પડી ગયા હતા. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને ખીણમાં પડતાં જોઈને ભારે આઘાતમાં આવી ગયેલી માતાએ પણ પળવારનો વિચાર કર્યા વિના ટેકરી પરથી છલાંગ લગાવી દીધી હતી. ઘટનાસ્થળે હાજર લોકો આ ભયાનક દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે ત્રણેય મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

