Appleનો મોટો સિક્યોરિટી અલર્ટ: સરકારી સ્પાયવેરથી iPhone, iPad અને Mac હેક થવાની ચેતવણી

ટેક જાયન્ટ કંપની Apple દ્વારા વિશ્વભરના એવા યુઝર્સ માટે એક ગંભીર સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેઓ ખતરનાક સ્પાયવેર એટેકનો શિકાર બન્યા હોવાની આશંકા છે. કંપનીએ ચેતવણી આપી છે કે સરકારી સ્તરના સ્પાયવેર દ્વારા યુઝર્સના iPhone, iPad અથવા Mac ડિવાઇસિસ હેક અથવા કોમ્પ્રોમાઇઝ થયા હોઈ શકે છે. Apple અત્યાર સુધીમાં દુનિયાના 110 દેશોમાં આ નવીનતમ ચેતવણીઓ મોકલી ચૂક્યું છે, જ્યારે આ પ્રકારની સિક્યોરિટી નોટિફિકેશન્સ મારફતે અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 150થી વધુ દેશોના યુઝર્સનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

Apple કેવી રીતે આપી રહ્યું છે એલર્ટ?
Apple દ્વારા આ વખતે નોટિફિકેશન સિસ્ટમને વધારે અસરકારક અને યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવી છે, જેથી યુઝર્સ તેને સરળતાથી જોઈ શકે અને તાત્કાલિક સુરક્ષા પગલાં ભરી શકે. કંપની તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે: "Apple detected a mercenary spyware attack targeted at your iPhone. There are actions you can take now to protect your data and device."
(Apple દ્વારા તમારા iPhone પર મર્સનરી સ્પાયવેર હુમલો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. તમારા ડિવાઇસ અને ડેટાની સુરક્ષા માટે તમે અત્યારે જ જરૂરી પગલાં લઈ શકો છો.)
આ ચેતવણી માત્ર પુશ નોટિફિકેશન દ્વારા જ નહીં, પરંતુ રજિસ્ટર્ડ ઈમેઇલ મારફતે પણ મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત યુઝર્સ જ્યારે પોતાના Apple Accountમાં લોગ-ઇન કરે છે ત્યારે પણ સ્ક્રીન પર આ એલર્ટ ડિસ્પ્લે થાય છે.
'Lockdown Mode' ઓન કરવાની તાકીદ
Apple દ્વારા એલર્ટ મેળવનારા તમામ યુઝર્સને તેમના ડિવાઇસમાં તાત્કાલિક Lockdown Mode એક્ટિવેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકડાઉન મોડ એ Appleનું એક એક્સટ્રીમ સિક્યોરિટી ફીચર છે, જે હાઇ-ટેક સ્પાયવેર એટેક સામે અત્યંત મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જે પણ ડિવાઇસમાં 'Lockdown Mode' ઓન રહ્યું હોય તેમાં હેકિંગ કે ડેટા ચોરીનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી.
તાજેતરના વર્ષોમાં વિવિધ દેશોની સરકારો અને એજન્સીઓ દ્વારા પોતાના વિરોધીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરો સામે સ્પાયવેરનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે, ત્યારે પોતાના યુઝર્સને બચાવવા માટે Apple સતત સુરક્ષા માપદંડો મજબૂત કરી રહ્યું છે.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટે કર્યા વખાણ
વૈશ્વિક સ્તરે સાયબર સિક્યોરિટી પર નજર રાખતી સંસ્થા 'Citizen Lab'ના સિનિયર રિસર્ચર જ્હોન સ્કોટ-રેલ્ટને વર્ષ 2021થી શરૂ થયેલી Appleની આ એલર્ટ સિસ્ટમમાં કરાયેલા સુધારાઓની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ નોટિફિકેશન્સ લોકોને તેમના ડિવાઇસને સુરક્ષિત રાખવા માટે મદદ મેળવવા પ્રેરિત કરે છે, જે એક મોટું અને સકારાત્મક પગલું છે.
આ એલર્ટ્સ માત્ર યુઝર્સને ચેતવતા જ નથી, પરંતુ તેમને સુરક્ષાત્મક પગલાં ભરવા પણ પ્રેરિત કરે છે, જેના કારણે અન્ય સંભવિત સ્પાયવેર હુમલાઓની તપાસ કરવામાં અને તેને નિષ્ફળ બનાવવામાં મોટી મદદ મળી રહી છે.

