કેમ એલોન મસ્કે પોતાના પુત્રનું હિન્દુ નામ રાખ્યું? ભારત સાથે છે ખાસ કનેક્શન

સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ખુલાસો કર્યો છે કે તેમના પાર્ટનર શિવોન જિલિસ અર્ધ-ભારતીય છે અને તેમણે તેમના એક બાળકનું નામ નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખ્યું છે. મસ્કે જીરોધાના સહ-સ્થાપક નિખિલ કામત દ્વારા આયોજિત પોડકાસ્ટ પર આ ટિપ્પણી કરી હતી. જિલિસ અને મસ્કને ચાર બાળકો છે. જિલિસ મસ્કની કંપનીઓમાંની એક ન્યુરાલિંકમાં ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.
મસ્કે શું કહ્યું?
"મારો જિલિસ સાથે એક પુત્ર છે, જેનું મધ્યમ નામ ચંદ્રશેખરના નામ પરથી શેખર છે," મસ્કે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું. એસ. ચંદ્રશેખર એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ખગોળશાસ્ત્રી હતા જેમને 1983માં "તારાઓની રચના અને ઉત્ક્રાંતિ માટે મહત્વપૂર્ણ ભૌતિક પ્રક્રિયાઓ પરના તેમના સૈદ્ધાંતિક અભ્યાસ" માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
મસ્કે જિલિસ વિશે શું કહ્યું?
જ્યારે પૂછવામાં આવ્યું કે શું જિલિસ ભારતમાં રહેતી હતી, ત્યારે મસ્કે કહ્યું કે તેણીને નાની ઉંમરે દત્તક લેવામાં આવી હતી અને કેનેડામાં મોટી થઈ હતી. "મને લાગે છે કે તેના પિતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા, અથવા એવું કંઈક. મને સંપૂર્ણ વિગતો ખબર નથી. તેને દત્તક લેવામાં આવી છે."
જાણો, શિવોન જિલિસ વિશે
શિવોન જિલિસ લાંબા સમયથી ટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તે 2017માં ન્યુરાલિંકમાં જોડાઈ હતી અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે. તેણીએ યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો અને આઈસ હોકી ટીમમાં ગોલકીપર હતી. ત્યારબાદ તેણીએ વેન્ચર કેપિટલમાં જતા પહેલા IBM અને બ્લૂમબર્ગમાં કામ કર્યું હતું. 2016 માં, તેણીએ AI પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને OpenAI માં જોડાઈ, જ્યાં તે ડિરેક્ટર બોર્ડની સૌથી નાની સભ્ય બની.
મસ્ક ભારતીય વ્યાવસાયિકોની પ્રશંસા કરે છે
મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વ્યાવસાયિકોની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, "મારું માનવું છે કે અમેરિકાને પ્રતિભાશાળી ભારતીયોથી ઘણો ફાયદો થયો છે." H-1B વિઝા વિશે બોલતા, તેમણે કહ્યું, "એ કહેવું વાજબી છે કે H-1B પ્રોગ્રામનો થોડો દુરુપયોગ થયો છે." જોકે, તેમણે એમ પણ કહ્યું, "મને નથી લાગતું કે આપણે H-1B પ્રોગ્રામ બંધ કરવો જોઈએ." મને લાગે છે કે તે કરવું ખરેખર ખરાબ હશે.'

