VIDEO/ "ભાગીદાર બનો, પ્રતિસ્પર્ધી નહીં": જિનપિંગે ટ્રમ્પનું કર્યું ભવ્ય સ્વાગત, પણ તાઈવાન પ્રશ્ને લાલ આંખ કરી
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જોઈએ. બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. જોકે બેજિંગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. જિનપિંગે તાઇવાન મુદ્દે અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ બેઠક બાદ પત્રકારોએ ટ્રમ્પને તાઈવાન મુદ્દે સવાલ પૂછ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ વાતચીત ખૂબ સારી રહી છે. મહત્વનું છે કે, ચીન તાઇવાનને આઝાદ દેશ માનવા તૈયાર નથી. બીજી તરફ, અમેરિકા સત્તાવાર રીતે તાઇવાનને માન્યતા નથી આપતું પણ તેને હથિયારો પૂરા પાડે છે.

